અમદાવાદઃ રાજયના ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ આણંદ ખાતે યોજાયેલા વિરાટ યુવા સંમેલનને સંબોધતા રાજયના યુવાનો આજે તમામ ક્ષેત્રે આગળ વધી રહ્યાં છે ત્યારે સમાજમાં વ્યાપી ગયેલ વ્યસનના રાક્ષસને નાથવા માટે યુવાનોને આગળ આવવાનો અનુરોધ કરી વ્યસનમુકત સમાજના નિર્માણમાં સહભાગી થવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકારે નાર્કોટીક્સ સામે અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન સાત મહિનામાં ચાર હજાર કરોડથી વધુનું ડ્રગ્સ પકડી લેવામાં આવ્યું છે.
આણંદ ખાતે બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા અક્ષર વાડી ખાતે ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી અને શ્રમ-રોજગાર રાજય મંત્રી બ્રિજેશ મેરજાની પ્રેરક ઉપસ્થિતિમાં વિરાટ યુવા સંમેલન યોજાયું હતું. ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર વિશ્વમાં જો કોઇ સૌથી વધુ યુવાધન ધરાવતો દેશ હોય તો તે આપણો ભારત દેશ છે તેમ જણાવી તેમણે આજના ભારતનો યુવાન વધુ શિક્ષિત અને મજબૂત હોવાને કારણે સમગ્ર વિશ્વ જો કોઇથી ડરતું હોય તો તે ભારતના શિક્ષિત યુવાનોથી ડરે છે તેમ ઉમેર્યું હતું.
ગુજરાત જયારે તમામ ક્ષેત્રોમાં આગળ વધી રહ્યું છે ત્યારે ગુજરાતમાં ડ્રગ્સ જેવી કેફી પદાર્થોનું દૂષણ કોઇપણ સંજોગોમાં ફેલાવવા નહીં દઇએ તેવો સરકારનો તેમણે મકકમ નિર્ધાર વ્યકત કરતાં કહ્યું હતું કે, સરકારના આ મકકમ નિર્ધારથી ગુજરાત સરકાર દ્વારા છેલ્લા સાત મહિનામાં ચાર હજાર કરોડથીનું વધુ ડ્રગ્સ પકડીને સખ્ત કાર્યવાહી કરીને આવા તત્વોને સ્પષ્ટ સંદેશો પાઠવ્યો છે કે, સરકાર કોઇપણ સંજોગોમાં આવી પ્રવૃત્તિને સાંખી નહીં લે. રાજયના યુવાનોને સામાજિક દૂષણમાંથી બહાર લાવવા ગુજરાત પોલીસ કટિબધ્ધ છે. સમાજમાંથી આ દૂષણને દૂર કરવા આપણે સૌએ સાથે મળી ટીમ ગુજરાત તરીકે સૌના સાથથી કાર્ય કરવું પડશે.
(PHOTO-FILE)