મધ્યપ્રદેશના છિંદવાડામાં ગમખ્વાર અકસ્માતમાં 6ના મોતની આશંકા, 3 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત
ભોપાલઃ મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં જીપકાર અને મોટરસાઇકલ વચ્ચે અકસ્માત સર્જાયા બાદ જીપકાર કુવામાં ખાબકી હતી. આ દૂર્ઘટનામાં છ લોકોના મોત થયા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે મેહખેડ બ્લોકમાં ઉમરાનાલા પોલીસ ચોકી વિસ્તારના કોડમાળ ગામ નજીક, જાનૈયાઓની જીપકાર અને મોટરસાઇકલ વચ્ચેની ટક્કર બાદ જીપકાર રોડની બાજુના કૂવામાં પડી હતી. આ ઘટનામાં એક બાળક સહિત છ લોકોના મોત થયા હતા જ્યારે એક બાળક સહિત 3 વ્યક્તિઓને ઈજા થઈ હતી. સમગ્ર ઘટના અંગે સીએમ ચૌહાણે દુઃખ વ્યક્ત કર્યું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે, જીપકારમાં સવાર લોકો લગ્ન સમારોહમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. કોડામળ ગામ પાસે સામેથી આવતી મોટરસાઇકલ સાથે જીપકાર અથડાઇ હતી. ફોર વ્હીલર અસંતુલિત થઈને રોડની બાજુમાં આવેલા કૂવામાં પડી ગઈ હતી. જેથી તેમાં સવાર લોકોની મરણચીસોથી વાતાવરણ ગમગીન થઈ ગયું હતું. મોટરસાઇકલ પર સવાર ત્રણ લોકોમાં એક મહિલા અને એક બાળકની સારવાર જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે. માર્ગ અકસ્માતની આ ઘટના અંગે રાજ્યના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે દુઃખ વ્યક્ત કર્યું હતું. માર્ગ અકસ્માતની આ ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી પોલીસની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી. તેમજ ઘાયલોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. તેમજ મૃતકોની ઓળખ મેળવવાની કવાયત શરૂ કરી હતી. માર્ગ અકસ્માતમાં છથી વધારે વ્યક્તિઓના મોતથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.