ગુજરાતમાં RTE હેઠળ પ્રવેશના ત્રણ રાઉન્ડ બાદ હજુ 7354 બેઠકો ખાલી, શાળા પસંદગી માટે વધુ એક તક
અમદાવાદઃ ગુજરાતમાં રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા લેખે ધોરણ-1માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશની કામગીરીના ત્રણ રાઉન્ડ પૂર્ણ થઈ ગયા બાદ હજુ 7354 જેટલી બેઠકો ખાલી રહી છે, જે બાળકોને પ્રવેશ મળ્યો નથી. એવા બાળકોને ખાલી બેઠકો પર પ્રવેશ આપવા માટે વધુ એક તક આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, RTE પ્રવેશ પ્રક્રિયાના ત્રણ રાઉન્ડની કામગીરી પૂર્ણ થતા ખાલી રહેલી 7354 જગ્યાઓમાં જે બાળકોને પ્રવેશ મળ્યો નથી અને જે બાળકો ફાળવાયેલી શાળામાં ફેરફાર કરાવવા ઇચ્છતા હોય તેઓ 19 જૂનથી 21 જૂન 2022 દરમિયાન #RTE ના વેબપોર્ટલ પર જઇ શાળાઓની પુન:પસંદગીની જરૂરી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. ગુજરાતમાં રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા લેખે ધોરણ-1માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશની કામગીરીના ત્રણ રાઉન્ડ પૂર્ણ થઈ ગયા બાદ હજુ 7354 જેટલી બેઠકો ખાલી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે, કે, શૈક્ષણિક વર્ષ 2022-23 માટે રાજ્યની કુલ 9955 ખાનગી પ્રાથમિક સ્કૂલોમાં જુદા જુદા માધ્યમમાં કુલ 71,396 જેટલી જગ્યાઓ RTE હેઠળ ઉપલબ્ધ હતી. જે પૈકી વિધાર્થીઓની પસંદગી અને 6 કીમીની ત્રિજયાના વિસ્તારમાં ઉપલબ્ધ શાળાઓમાં નિયમોને ધ્યાનમાં લઇ પ્રથમ રાઉન્ડમાં ચોક્કસ નિયત સમયમર્યાદામાં 58,347 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ નિયત કરાવ્યો હતો. આ બાદ બીજા રાઉન્ડમાં નિયત સમયમર્યાદામાં 4548 જેટલા વિદ્યાર્થીઓએ જે-તે શાળામાં રૂબરૂ જઇ પ્રવેશ નિયત કરાવ્યો હતો. અને ત્રીજા રાઉન્ડમાં 1147 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો.