ગાંધીનગરમાં 1લી જૂલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાશે
ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી તા. 1લી જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવી રહ્યો છે, ત્યારે ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશને પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેચાણ સામે દંડાત્મક કાર્યવાહી કરવા માટે એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પર્યાવરણ માટે અત્યંત જોખમી અને હાનિકારક સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેચાણ અને ઉપયોગ નહીં કરવા માટે જન જાગૃતિ કેળવવા હાલમાં ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનનું તંત્ર કામે લાગી ગયું છે. જોકે તા. 1 જૂલાઈથી ગાંધીનગરમાં સંપૂર્ણ રીતે સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ લાદી દઈ કડક હાથે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. CPCB એ સ્પષ્ટ રીતે કહ્યું છે કે, 1 જુલાઈથી જો કોઈ સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ કરે છે અથવા ઉપયોગ કરે છે તો તેની સામે કડક કાર્યવાહી કરવાની રહેશે. પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ સુધારા નિયમો- 2021 પ્રસિદ્ધ કરેલા છે. જે અંતર્ગત સિંગલ યુઝ પ્લાસ્ટિક કોમોડિટીનું ઉત્પાદન, આયાત, સ્ટોકિંગ, વિતરણ, વેચાણ અને ઉપયોગ પ્રતિબંધિત છે. આ નિયમનાં અમલીકરણ હેતુ શહેરના વિવિધ કોમર્શિયલ તેમજ માર્કેટ વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે મનપા તંત્ર દ્વારા વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સિંગલ યૂઝ પ્લાસ્ટિક એવું કેમિકલ છે જે પર્યાવરણની સાથે માનવીના સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકશાનકારક છે. પ્લાસ્ટિક હજારો વર્ષો સુધી આમ જ પડી રહે છે, જેને કારણે પાણી જ નહી પણ માટી માટે પણ નુકશાનકારક છે. સિંગલ યૂઝ પ્લાસ્ટિકમાં કૈરી બૈગ (50 માઈક્રોનથી ઓછા), નાની રૈપિંગ/ પૈકિંગ ફિલ્મ, ફોમ વાળા કપ, કટોરા, પ્લેટ, લેમિનેટ કરેલા બાઉલ અને પ્લેટ, નાના પ્લાસ્ટિક કપ અને કંટેનર (150 એમએલ અને 5 ગ્રામથી ઓછા), પ્લાસ્ટિક સ્ટિક અને ઈયર બડ્સ, ફુગ્ગા, ઝંડો અને કેંડી, સિગારેટના બટ્સ, ખાદ્ય પદાર્થો માટે નાના પ્લાસ્ટિક પૈકેટ (200 એમએલથી ઓછા) અને બેનર (100 માઈક્રોનથી ઓછા) સામેલ છે.
ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનના સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનાં ઉપયોગ અને વેચાણ સામે જન જાગૃતિ લાવવામાં આવી રહી છે. જેનાં માટે નાના મોટા વેપારીઓ સાથે સીધો વાર્તાલાપ કરીને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી થતાં નુકશાન અંગે સમજ આપવામાં આવી રહી છે. પરંતુ પહેલી જુલાઈથી ગાંધીનગરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ લાદી દઈશું. કોઈપણ દુકાનમાં જો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવશે તો દુકાનના ટ્રેડ લાયસન્સ રદ કરવામાં આવશે. દુકાનદારને ફરી લાયસન્સ લેવા માટે દંડ ચૂકવી ફરીવાર એપ્લાય કરવું પડશે.