શ્રીલંકા: સાંપ્રદાયિક હિંસા પછી 9 મુસ્લિમ મંત્રીઓએ કર્યો પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય
શ્રીલંકામાં ઇસ્ટરના દિવસે એટલે કે 21 એપ્રિલના રોજ થયેલા બોમ્બ બ્લાસ્ટ્સ પછીથી જ દેશભરમાં સાંપ્રદાયિક હિંસા ફેલાયેલી છે. તેના કારણે સોમવારે 9 મુસ્લિમ મંત્રીઓએ પોતાની પોસ્ટ પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો. મંત્રીઓનું કહેવું છે કે હિંસામાં લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને સરકાર રક્ષા કરવામાં નિષ્ફળ રહી છે. એપ્રિલમાં થયેલા આતંકી હુમલામાં 258 લોકો માર્યા ગયા હતા.
દેશભરમાં બૌદ્ધ ભિક્ષુઓ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન પછી સોમવારે 9 મંત્રીઓ અને બે પ્રાંતીય રાજ્યપાલોએ રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. તેમાં કેબિનેટ મંત્રી કબીર હાશિમ, ગૃહમંત્રી હલીમ અને રિશદ બતીઉદ્દીન સામેલ છે. તેમની સાથે રાજ્યમંત્રી ફૈઝલ કાસિમ, હારેશ, અમીર અલી શિહાબદીન, સૈયદ અલી જાહિર મૌલાના ઉપરાંત ડેપ્યુટી મિનિસ્ટર અબ્દુલ્લા મહરૂફે પણ રાજીનામું આપવાનો નિર્ણય કર્યો.
ન્યાય અને જેલમંત્રી રઉફ હકીમના જણાવ્યા પ્રમાણે, તમામ મંત્રીઓ પોતાના પોસ્ટ પરથી રાજીનામું આપશે પરંતુ સરકારનું સમર્થન કરતા રહેશે. સમર્થન પણ એ શરત પર થશે કે તમામ લઘુમતીઓને સમાન ન્યાય મળે અને હિંસાની નિષ્પક્ષ તપાસ કરીને દોષિતોને સજા મળે. જો એવું નહીં થાય તો પછી મંત્રી સમર્થન આપવા અંગે ફરીથી વિચાર કરી શકે છે.