ગુજરાતમાં ચોમાસાની ધીરે-ધીરે જમાવટઃ 84 તાલુકામાં મેઘમહેર, વિસાવદરમાં 4 ઈંચ વરસાદ
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની વિધિવત પઘરામણી બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યાં છે અને ચોમાસુ આગળ વધી રહ્યું હોવાનું હવામાન વિભાગ માની રહ્યું છે. દરમિયાન 24 કલાકમાં રાજ્યના 84 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધારે જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં ચાર ઈંચ જેટલુ પાણી પડ્યું હતું. જ્યારે નવસારી અને જલાલપોરમાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યના લગભગ 11 તાલુકાઓમાં 1 થી દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં સારો વરસાદ થવાની આશા ખેડૂતોએ વ્યક્ત કરી હતી.
હવામાન વિભાગના અનુસાર ચાર દિવસ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથમાં પણ મન મૂકીને મેઘરાજા વરસશે. બીજા બાજુ માછીમારોને દરિયો ન ખેડવા પણ હવામાન વિભાગે સૂચના આપી છે. અમદાવાદ સહિત રાજ્યમાં આગામી 5 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. દરમિયાન જુનાગઢના ગીર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તાલાલા, ખીરધાર, બાકુલા ધણેજ, ધ્રાબાવડ, લાડુડી, દેવ ગામ, જેપુર સહિત અનેક ગ્રામ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જુનાગઢના વિસાવદર પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. નાનાકોટડા, વાજડી, રૂપાવટી, ઉમરાળા,જૂની ચાવંડ, શીરવાણીયા સહિત આસપાસના ગ્રામ વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે અનેક રોડ રસ્તાઓ પાણી પાણી થયા હતા. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. બીજી તરફ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છની જનતા મેઘરાજાની આતુરતાથી રાહ જોઈ રહી છે.