ભરૂચના વાલીયા તાલુકામાં લિગ્નાઈટ કોલસાનો મોટો ભંડાર મળ્યો, GMDC દ્વારા જમીન સંપાદન કરાશે
ભરૂચઃ રાજ્યના ગોહિલવાડ બાદ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાંથી કથ્થઈ સોના તરીકે ઓળખાતો લિગ્નાઈટ કોલસાનો મોટો ભંડાર મળી આવ્યો છે. વાલીયા તાલુકાની જમીનમાં કરોડો રૂપિયાનું ખનીજ ધરબાયેલુ છે. એક માઈનિંગ તો છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત છે. જ્યારે 18 ગામોને આવરી લેતી મોટી લિગ્નાઈટની ખાણ મળતા જીએસડીસીના ઉચ્ચ અધિકારીઓએ જમીન સંપાદન માટે સરકારની મંજુરી માગી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં આવેલાં 18 ગામોમાંથી અંદાજે 50 વર્ષ સુધી ચાલે તેટલી મોટી માત્રામાં કથ્થઈ સોના તરીકે ઓળખાતો લિગ્નાઈટ કોલસાનો ભંડાર મળી આવ્યો છે. ભૌગોલિક સર્વેના આધારે સરકાર દર વર્ષે ખાણમાંથી 30 લાખ ટન કોલસો કાઢવાની પરવાનગી આપી શકે તેમ છે. જો આ સુચિત ખાણમાંથી 30 લાખ ટન કોલસો કાઢવામાં આવે તો 50 વર્ષ સુધી ચાલે તેટલો કોલસો મળી રહેશે. આગામી દિવસોમાં અહીંની જમીનોના સંપાદનની કામગીરી હાથ ધરવામાં આવશે. અત્યારે ભારત વિશ્વના અન્ય દેશોમાંથી કોલસાની આયાત કરે છે ત્યારે વાલિયા તાલુકો દેશને લિગ્નાઇટ કોલસાના મામલે આત્મનિર્ભર બનાવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે વાલિયા વિસ્તારમાં લિગ્નાઈટની એક માઇનિંગ છેલ્લા પાંચ-છ વર્ષથી વાલિયા તાલુકાના ભાગા, કોસમાડી અને રાજગઢ જ્યારે માંગરોલ તાલુકાના હરસણી અને મોરઆંબલી વિસ્તારમાં કાર્યરત છે. વાલિયાના સોડગામ, ઉમરગામ, વિઠ્ઠલગામ, રાજગઢ, સીનાડા, તૃણા, ડહેલી, લુણા, ભરાડીયા, ભમાડીયા, જબુગામ ચોરાઆમલા, ઈટકલા, કેસરગામ, સિંગલા, ચંદરિયા અને વાંદરીયા જેવા ગામોની 3017 હેક્ટર જેટલી જમીન પાંચ વર્ષ પહેલા રિઝર્વ કરવામાં આવેલી છે. તેના ભાગરૂપે ઉમરગામમાં પ્રોજેક્ટના હેતુઓ માટે જીએમડીસીની કચેરી છેલ્લા બે માસથી કાર્યરત છે.