ભુજઃ કચ્છના હરામી નાળા વિસ્તારમાંથી અવાર-નવાર પાકિસ્તાન બોટ્સ અને માછીમારો પકડાતા હોય છે. બીએસએફ દ્વારા પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યુ છે. ત્યારે વધુ 6 માછીમારી બોટ્સ પકડાઈ છે. જપ્ત કરાયેલી બોટોની ગહન તલાશી લેવાઇ હતી. જેમાંથી મછલીઓ, માછીમારી જાળી સહિતના સાધનો મળી આવ્યા હતાં. આ સિવાય કોઇ સંદિગ્ધ સામાન મળી આવ્યો નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાનની ભૂમિ અને જળસીમાની તદ્દન નજીક આવેલા સરહદી કચ્છના ઘૂસણખોરી અને દેશમાં નાપાક હરકતો માટે કુખ્યાત વિસ્તાર તરીકે ઓળખાતા અતિ સંવેદનશીલ અને દુર્ગમ હરામીનાળા વિસ્તારમાં નાપાક હરકતો વધી ગઈ હોવાના સુરક્ષા એજન્સીઓને સતત મળી રહેલા ઇનપુટ વચ્ચે આ વિસ્તારની સંવેદનશીલતા ધ્યાને લઇ, સરહદી સલામતી દળ દ્વારા કચ્છની સિરક્રીક, હરામીનાળા વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. સીમા સુરક્ષા દળ દ્વારા હરામી નાળા વિસ્તારમાં બોર્ડર પિલર 1158 નજીક ત્રણ પાકિસ્તાની માછીમારી બોટ અને 4 થી 6 જેટલા પાકિસ્તાની માછીમારોની હિલચાલ નજરે ચડતાં બટાલિયન કળણ વાળા આ વિસ્તારને પાર કરીને ઘટનાસ્થળે પહોંચી હતી પણ પાકિસ્તાની માછીમારોએ બીએસએફના જવાનોને તેમની તરફ આવતા જોઈને અટપટા વિસ્તારનો ફાયદો ઉઠાવીને પાકિસ્તાની વિસ્તારમાં નાસી ગયા હતા.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, બીએસએફ પેટ્રોલિંગે તેમનો પીછો કર્યો હતો અને પોતાના દેશ તરફ નાસી છૂટેલા માછીમારોને શોધવા હાથ ધરાયેલા સર્ચ ઓપરેશન દરમ્યાન મોડી સાંજે વધુ છ જેટલી બિનવારસુ પાકિસ્તાની બોટ મળી આવી હતી પણ ઘૂસણખોરોનો આ સંવેદનશીલ વિસ્તારમાં કોઈ અતોપતો ન મળતાં સુરક્ષા એન્યાસીઓએ સર્ચ ઓપરેશન જારી રાખ્યું છે. જપ્ત કરાયેલી બોટોની ગહન તલાશી લેવાઇ હતી. જેમાંથી મછલીઓ, માછીમારી જાળી સહિતના સાધનો મળી આવ્યા હતાં. આ સિવાય કોઇ સંદિગ્ધ સામાન મળી આવ્યો નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, દોઢ મહિનાના સમયગાળામાં હરામીનાળા વિસ્તારમાંથી 11 જેટલી પાકિસ્તાની ફિશિંગ બોટને સરહદી સલામતી દળ દ્વારા ઝડપી લેવાઈ હતી જો કે તેમાં સવાર મોટાભાગના પાકિસ્તાની ઘૂસણખોરો નાસી છૂટ્યા હતા અને માત્ર છ જ ઘુસણખોરોને સર્ચ ઓપરેશન બાદ ખોળી શકાયા હતા. એવું માનવામાં આવે છે કે,છેલ્લા એક સપ્તાહમાં 18 જેટલી પાકિસ્તાની ફિશિંગ બોટને અત્યંત સંવેદનશીલ એવા અરબી સમુદ્રના હરામીનાળા વિસ્તારમાંથી ઝડપવામાં આવી છે અને આ વિસ્તારમાં મોટી સંખ્યામાં ઘૂસણખોરો ઘૂસ્યા હોવાની દહેશત ઉભી થવા પામી છે અને તેમને ખોળી કાઢવા માટેના સર્ચ ઓપરેશનને વધુ વ્યાપક બનાવવામાં આવ્યું છે. (FILE PHOTO)