અમદાવાદઃ રાજ્યમાં ઘણાબધા મેડિકલ સ્ટોર્સમાં નિયમ મુજબ ફાર્માસ્ટીટ હોતા નથી. અને ભાડુતી ફાર્માસ્ટીટના લાયસન્સથી મેડિકલ સ્ટોર્સ ચલાવવામાં આવતા હોવાની ફરિયાદો ઊઠી હતી. ત્યારે ફાર્મસી કાઉન્સિલ દ્વારા છેલ્લા ત્રણ મહિનામાં ચાર જિલ્લામાં તપાસ કરીને 60 જેટલા ફાર્માસિસ્ટ જેમણે પોતાના લાઇસન્સ ભાડે આપ્યા હતા. તે એક વર્ષ માટે કેન્સલ કરી દેવાયા છે. તે સાથે ફાર્માસિસ્ટને પાંચ હજાર રૂપિયાનો દંડ પણ ફટકારાયો હતો. હવે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ આવી દવાની દુકાનો સામે શું કાર્યવાહી કરે છે તે સવાલ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ મુજબ દવાની દુકાનમાં ફાર્માસિસ્ટની હાજરી અનિવાર્ય છે. તેની સામે સેંકડો મેડિકલ સ્ટોર્સ એવા છે, જેમાં ફાર્માસિસ્ટના લાઇસન્સ ભાડે લાવીને તેમના નામે સ્ટોર્સ ચલાવાતા હોય છે. કોરોનાના બે વર્ષના કપરા સમયગાળામાં લગભગ દસ હજાર જેટલી નવી દવાની દુકાનો ખુલી ગઇ છે. ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા આ બાબતે ઉચ્ચ સ્તરે ફરિયાદ કરીને પગલા લેવા માગણી કરાઇ હતી. તે પછી ફાર્મસી કાઉન્સિલ દ્વારા સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લામાં તપાસ કરીને ભાડે લાઇસન્સ આપનારા 60 ફાર્માસિસ્ટ સામે પગલા લીધા હતા.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, રાજ્યમાં સેંકડો દવાની દુકાન ભાડાના લાઇસન્સ ઉપર ચાલી રહી છે. જો તંત્ર તમામ દુકાનો ઉપર તપાસ કરવાની ઝુંબેશ ચલાવે તો મોટી સંખ્યામાં ચાલતી અનિયમિતતા બહાર આવી શકે છે. કેટલાક લાલચુ ફાર્માસિસ્ટના કારણે દવાના નામે ફક્ત ધંધો કરતા દુકાનદારો ભાડાના લાઇસન્સનો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે પણ આવી દવાની દુકાનો સામે નિયમાનુસાર કાર્યવાહી કરવી જોઇએ તેવી માગણી તેમણે કરી હતી. તે ઉપરાંત કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે નાગરિકો પાસેથી કેટલાક સ્ટોર્સ માસ્ક, સેનિટાઇઝર વિગેરેના બેફામ ભાવ ના લે તે માટે પણ તંત્રને તકેદારી લેવા માટે અપીલ કરાઇ છે.