સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નર્મદા મૈયાની આરતીમાં હવે લાઈટ અને સાઉન્ડ શોનું નજરાણું ઉમેરાશે
રાજપીપળાઃ રાજ્યમાં સરદાર સરોવર ડેમ કેવડિયા નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આજુબાજુમાં પર્યટન ક્ષેત્રના વિકાસને લીધે રોજબરોજ અનેક પ્રવાસીઓ આ રમણિય સ્થળની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ગંગા મૈયાની જેમ નર્મદા મૈયાની ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. હવે આ આરતીમાં લાઈટ અને સાઉન્ડ શોનું નજરાણું પણ ઉમેરાવવા જઈ રહ્યું છે. જેને કારણે નર્મદા મૈયાની આરતીનો લાભ લેનારા ભક્તોને આદ્યાત્મની ભવ્યતા અને દિવ્યતાનો વિશેષ અનુભવ થશે.
સૂત્રોના જણાવ્યા મુજબ નર્મદાના કેવડિયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ટુંકા ગાળામાં દેશ દુનિયામાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નવું-નવું નજરાણું ઉમેરવાના પ્રયાસો સતત ચાલું છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ગંગા મૈયાની જેમ નર્મદા મૈયાની ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. હવે આ આરતીમાં લાઈટ અને સાઉન્ડ શોનું નજરાણું પણ ઉમેરાવવા જઈ રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમાની સાથે સાથે અનેક નજરાણા ઉમેરવામાં આવ્યાં છે. જો કોઇ અહીં આવે તો ત્રણ દિવસ નિરાંતે તમામ નજરાણાની મજા માણી શકે તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સરદાર પટેલની પ્રતિમા પર સાંજે લેઝર શોનું આયોજન કરવામાં આવે છે. જેને જોવા માટે અહીં આવતા મુલાકાતીઓમાં વિશેષ આકર્ષણ જોવા મળતું હોય છે. તાજેતરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ગંગા મૈયાની તર્જ પર માં નર્મદાની વિશેષ આરતી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા મોટાભાગના લોકો સરદાર પટેલના સ્ટેચ્યુની મુલાકાત લેવીની સાથે માં નર્મદાની ભવ્ય આરતીનો લાભ લે છે. હવે આરતીને વધુ વિશેષ બનાવવાની તૈયારીઓ તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. તાજેતરમાં માં નર્મદાની આરતી ટાણે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે. જેને કારણે આરતીની દિવ્યતા અને ભવ્યતામાં વધારો થયો હોવાનું લાભાર્થીઓએ અનુભવ વ્યક્ત કર્યો છે. જોકે, હાલ પ્રાયોગિક ધોરણે આ કામ હાથ ધરવામાં આવ્યું છે. આવનાર સમયમાં આરતીમાં લાઇટ એન્ડ સાઉન્ડ શોનો ઉમેરો કરવામાં આવે તો નવાઈ નહી.