કચ્છમાં ગાંધીધામ નજીક એક કંપનીના ગોદામમાંથી 10 લાખથી વધુ કિંમતનું બાયો ડીઝલ પકડાયું,
ગાંધીધામ : ગુજરાતમાં ડીઝલની અછત અને વધુ ભાવને કારણે કેટલાક વાહન ચાલકો હલકી કક્ષાના બાયોડીઝલ તરફ વળ્યા છે. બાયોડીઝલ સસ્તુ મળતુ હોવાથી વધુ વેચાતુ હોવાથી બાયો ડીઝલ વેચવાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. હાઈ-વે પર તો બાયો ડીઝલ વેચતા ઠેર ઠેર હાટડાં જોવા મળી રહ્યા છે. ત્યારે ગાંધીધામ તાલુકાના પડાણા ગામની સીમમાં આવેલા એક કંપનીના વાડામાંથી પોલીસે રૂા. 10,50,000ના બાયોડીઝલ સાથે બે શખ્સની અટક કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીધામ તાલુકાના પડાણાથી ભીમાસરવાળા રોડ ઉપર બાલાજી હોટેલ પાસે આવેલા કાચા માર્ગથી આગળ એક કંપનીનું ગોદામ આવેલું છે. આ ગોદામમાં કંપનીના વાહનો પણ રાખવામાં આવે છે. જેમાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલનું વેચાણ થતું હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે અહીં છાપો માર્યો હતો.અહીં કેબિન વગરના એક ટેન્કરમાં બાયોડીઝલ ભરી તેમાં નોઝલ સહિત મીટર પમ્પ લગાવી અન્ય ટેન્કરમાં આ બાયોડીઝલ ભરવામાં આવી રહ્યું હતું. આ મીટર પમ્પ તથા ટેન્કરમાં રહેલા બાયોડીઝલ કંપનીનું હોવાનું પકડાયેલા કર્મચારી દીપકુમાર અતુલ ભઠાણિયા (પટેલ)એ પોલીસને જણાવ્યું હતું. દીપકુમાર પટેલ અને સમીર અહેમદ મન્સુરી બાયોડીઝલ ભરી રહ્યા હતા. તેમની પાસેથી આધાર-પુરાવા, સરકારના પ્રમાણપત્રો મગાતાં તે આપી શક્યા નહોતા.કેબિન વગરના ટેન્કરમાં 10,50,000નું 17,500 લિટર બાયોડીઝલ ભરવામાં આવ્યું હતું અને તેને અન્ય’ વાહનોમાં ઇંધણ તરીકે ભરી આપવામાં આવતું હતું.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, બાયોડીઝલ, નોઝલ સહિતના મીટર પમ્પ, જોડાણ પાઇપ, ટેન્કર તથા એક મોબાઇલ એમ કુલ રૂા. 37,71,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સુરક્ષાના સાધનોની વ્યવસ્થા કર્યા’ વગર, માનવ જીવન જોખમાય, લોકોની તંદુરસ્તીને નુકસાન થાય, હવા દૂષિત થાય તેવું કૃત્ય કરનારા આ બે શખ્ પોલીસે પકડી પાડયા હતા. આટલી મોટી માત્રામાં બાયોડીઝલ ક્યાંથી આવ્યું હતું. વિદેશથી કઇ પાર્ટીએ મગાવ્યું હતું અને આ કંપનીના વાડામાં કેવી રીતે પહોંચ્યું તે સહિતની વિગતો હજુ બહાર આવી નથી, જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.