અમદાવાદઃ શહેરમાં વિવિધ વિસ્તારોમાં તળાવો બનાવવામાં આવ્યા છે, આ તળાવાના બ્યુટિફિકેશન પાછળ મ્યુનિ.એ અઢળક ખર્ચ કર્યો છે. પરંતુ તળાવો ખાલીખમ જ જોવા મળી ગયા છે. મોટાભાગના તળાવો આજ સુધી વરસાદના પાણીથી ભરાયા જ નથી. હવે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 100માંથી 12 જેટલા તળાવો ગટરના ટ્રીટ કરેલા પાણીથી ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મ્યુનિ.સત્તાધીશોએ પાયલોટ પ્રોજેકટ તરીકે આધુનિક ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી ગટરનાં ગંદા પાણી ટ્રીટ કરીને 12 તળાવ બારેમાસ છલોછલ ભરેલાં રહે તેવુ આયોજન કર્યુ છે. જેમાં શીલજ, મકરબા, ભાડજ, જગતપુર, જોધપુર, મહિલા ગાર્ડન, રામોલ, ઓગણજ, મુઠીયા, સરખેજ, હાથીજણ, અને અસારવાના તળાવનો સમાવેશ થાય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં નાનામોટા મળીને 100થી વધુ તળાવ આવેલાં છે. જેમાં વરસાદી પાણીનાં નિકાલ અને સંગ્રહ માટે સ્ટોર્મ વોટર લાઇનના જોડાણ કરવામાં આવેલાં છે. પરંતુ દરેક વોર્ડનાં ઇજનેર ખાતાની જાણી જોઇને આચરવામાં આવેલી બેદરકારીનાં કારણે તમામ સ્ટોર્મ વોટર લાઇનમાં ગટરનાં જોડાણ થઇ ગયેલાં છે અને ગટરનાં ગંદા પાણી સ્ટોર્મ વોટર લાઇન થકી તળાવોમાં ઠલવાતા હતા. શહેરી સ્ટોર્મ વોટર લાઇનમાં થઇ ગયેલાં ગટરનાં જોડાણો હવે કાપી શકાય તેમ નથી, તેના કારણે સમસ્યા વધતી જાય છે. બીજી બાજુ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પણ શહેરી વિસ્તારનાં તળાવોમાં ગટરનાં પાણીનાં આવરાને અટકાવવા કરેલી તાકીદને પગલે મ્યુનિ. ઇજનેર ખાતાએ જયાં જયાં ગટરનાં પાણીનો આવરો વધારે છે ત્યાં સ્ટોર્મ વોટર લાઇનને મોટા વાલ્વ મુકીને બંધ કરવી પડી છે. ચોમાસાનો પ્રથમ વરસાદ આવે ત્યારે આ વાલ્વ ખોલવા દોડવુ પડે છે.
સૂત્રોએ ઉમેર્યું હતું , મ્યુનિ.એ વરસાદી પાણીનાં સંચય થકી ભૂગર્ભજળનં સ્તર ઉંચા લાવવા તળાવો ઉંડા કર્યા અને સ્ટોર્મ વોટર લાઇન પાછળ કરેલો જંગી ખર્ચ માથે પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાવા પામી છે. આથી મ્યુનિ. સત્તાધીશોએ એક કાંકરે અનેક પક્ષી મારવાની કહેવત સાર્થક કરતાં હોય તેમ શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં આવેલાં 12 જેટલાં મોટા તળાવને ગટરનાં ગંદા પાણીને ટ્રીટ કરી બારેમાસ ભરેલાં રાખવાનો પ્રોજેકટ હાથ ધર્યો છે અને તેના ભાગરૂપે ટેન્ડર પણ બહાર પાડી દેવાયાં છે. આ પ્રોજેકટ્સ મોટાભાગે કેન્દ્ર સરકારનાં અમૃત યોજના અંતર્ગત અને અમુક નાણાપંચની ગ્રાન્ટથી અમલમાં મુકવામાં આવશે.
જોકે આ અગાઉ વસ્ત્રાપુર અને લાંભા તળાવ ખાતે મીની એસટીપી મુકવામાં આવ્યા હતા, તેમાંથી લાંભા તળાવ ખાતેનો પ્રયોગ સફળ રહ્યો હોવાની માહિતી આપતાં ઇજનેર ખાતાનાં સૂત્રોએ કહ્યુ હતું કે, લાંભા તળાવમાં પાણી સ્વચ્છ અને ગંધ વગરનુ ભરાય છે. તેનાથી આસપાસનાં નાગરિકોને પણ કોઇ તકલીફ નથી. તેથી હવે અન્ય વિસ્તારોનાં તળાવો ખાતે આધુનિક ટેકનોલોજીવાળા ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ મુકવાનો નિર્ણય લઇને ટેન્ડર બહાર પાડી દેવાયા છે, જેના થકી ચોમાસા પછી પણ આગામી મહિનાઓમાં આ તળાવો પાણીથી ભરેલા જ રહેશે અને ભૂગર્ભજળ પણ રિચાર્જ થતા રહેશે. એટલુ જ નહિ આ પાયલોટ પ્રોજેકટ હાથ ધરાયા બાદ બાકીનાં મોટા તળાવો ખાતે પણ બે થી પાંચ એમએલડી ક્ષમતાનાં ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાવવામાં આવશે.