મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદનો તાજ એકનાથ શિંદેના શિરે મુકાશે? શું ગુરુવારે સાંજે શપથ ગ્રહણ પણ કરશે ?
મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉથલપાથલ બાદ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. હવે શિંદે જૂથ અને ભાજપમાં સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા મામલે મીટીંગનો દોર શરૂ થયો છે. દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદનો તાજ એકનાથ શિંદેના શિરે મુકવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું. એટલું જ નહીં ગુરુવારે સાંજે જ તેઓ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શિવસેનાના પોતાના સિદ્ધાંતોને નેવે મુકીને બે વર્ષ પહેલા કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી હતી. તેમજ મહાવિકાસ અઘાડીના મુખ્યમંત્રી તરીકે શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ શપથ ગ્રહણ કર્યાં હતા. ઉદ્ધવ ઠાકરેએ બાલાસાહેબના હિન્દુત્વના મુદ્દાને સાઈડમાં મુકીને આ સરકાર બનાવી હોવાના આક્ષેપ સાથે એકનાથ શિંદે સહિત 38 જેટલા ધારાસભ્યોએ બળવો કર્યો હતો. એટલું જ નહીં 12 જેટલા અપક્ષ ઉમેદવારોએ તેમને સમર્થન આપ્યું હતું.
છેલ્લા 10 દિવસથી મહારાષ્ટ્રના રાજકારણમાં રોજ નવા નવા ખુલાસા થયાં હતા. દરમિયાન રાજ્યપાલે ફ્લોર ટેસ્ટનો આદેશ કર્યો હતો. જેની સામે શિવસેનાએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યાં હતા. જો કે, લંબાણપૂર્વકની સુનાવણી બાદ શિવસેનાની અરજી ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઉદ્ધવ ઠાકરેએ સીએમ પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું. બીજી તરફ શિંદે જૂથ ગોવાહાટીથી હવાઈ માર્ગે ગોવા પહોંચ્યાં હતા. હવે શિંદેજૂથ ભાજપ સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવશે.
ઠાકરેના રાજીનામા બાદ શિંદેજૂથ અને ભાજપમાં બેઠકનો દોર શરૂ થયો છે. તેમજ પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફંડણવીસના નિવાસસ્થાને ભાજપના હોદ્દેદારોની બેઠક મળી હતી. જેમાં નવી સરકારની રચના અને મંત્રીમંડળને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત એકનાથ શિંદે પણ મુંબઈમાં ભાજપના હોદ્દેદારોને મળવા મુંબઈ આવશે. આ બેઠક બાદ જ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તથા અન્ય મંત્રીઓના નામ ફાઈનલ કરવામાં આવશે. જો કે, મુંખ્યમંત્રી તરીકે એકનાથ શિંદેની પસંદગી કરવામાં આવે તેવી શકયતા છે. એટલું જ નહીં ગુરુવારે સાંજ સુધીમાં તેઓ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરે તેવી શકયતાઓ પણ રાજકીય તજજ્ઞોએ વ્યક્ત કરી છે.