ઉદેયપુર હત્યાકાંડઃ હત્યારાઓએ ફેકટરીમાં ધારદાર હથિયાર બનાવ્યું હતું
જયપુરઃ ઉદેયપુરમાં કન્હૈયાલાલ હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. આરોપી રિયાઝ અત્તારી અને મોહમ્મદ ગૌસે એસકે એન્જિનિયરિંગ વર્ક્સમાં ધારદાર હથિયારો બનાવ્યા હતા. આ જઘન્ય હત્યાકાંડમાં આ હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આરોપીઓએ હત્યા પહેલા અને પછી આ જ ફેક્ટરીમાં વીડિયો પણ શૂટ કર્યો હતો. આ ફેક્ટરીમાંથી કન્હૈયાલાલની હત્યામાં વપરાયેલું હથિયાર મળી આવ્યું હતું. આ કેસમાં પાકિસ્તાની એંગલ સામે આવ્યા બાદ NIA આ કેસની તપાસ કરી રહી છે. તપાસ એજન્સીઓને હત્યારાઓ ISISના વીડિયોથી પ્રેરિત હોવાની શંકા છે. બંને આરોપીઓ હત્યા પહેલા અને પછી પાકિસ્તાનના લોકોના સંપર્કમાં હતા.
NIA ટૂંક સમયમાં બંને આરોપીઓને દિલ્હી લાવશે અને તેમના મોબાઈલની તપાસ કરવામાં આવશે. તપાસ એજન્સીઓનો દાવો છે કે બે આરોપીઓમાંથી એક ગૌસ મોહમ્મદ વર્ષ 2014-15માં કરાંચીથી 45 દિવસની ટ્રેનિંગ લઈને આવ્યો હતો. એટલું જ નહીં વર્ષ 2018-19માં ગૌસ મોહમ્મદ આરબ દેશોમાં ગયો હતો. ગયા વર્ષે તેનું લોકેશન નેપાળમાં પણ સામે આવ્યું હતું.
કન્હૈયાલાલની હત્યાને આતંકવાદી ઘટના ગણીને UAPA હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. NIAની સાથે IB પણ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને રિયાઝની સાથે ગૌસ મોહમ્મદની કુંડળીની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન વધુ એક ખુલાસો સામે આવ્યો છે. ભાજપ નેતા નુપુર શર્મા કેસમાં હત્યાની ધમકી અને હત્યાનો વીડિયો આરોપી ગૌસ મોહમ્મદે મુક્યો હતો. હત્યા બાદ ઉદયપુરથી અજમેર તરફ ભાગી રહેલા બંને આરોપીઓ અજમેરમાં અન્ય વીડિયો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. વીડિયો બનાવવાનો આઈડિયા પાકિસ્તાની હેન્ડલરે આપ્યો હતો.