મુંબઈઃ અમારા વિધાનસભા ક્ષેત્રની સમસ્યા વિશે ઉદ્ધવ ઠાકરેને ધણી વખત રજૂઆત કરી હતી પરંતુ તેમણે અમારી ઉપર ક્યારેય ધ્યાન આપ્યું નથી. અમે બાળાસાહેબના હિન્દુત્વને આગળ વધારવાનું કામ કરીશું. તેમજ રાજ્યની જનતાએ જે અપેક્ષા રાખી છે તેને પૂર્ણ કરવા માટે અમે દિવસ-રાત મહેનત કરીશું. તેમ મહારાષ્ટ્રના નવનિયુક્ત મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું હતું. તેમણે ભાજપ અને દેવેન્દ્ર ફડણવીસનો પણ આભાર માન્યો હતો.
એકનાથ શિંદેએ કહ્યું કે, મેં જે નિર્ણય લીધો તે તમે બધા જાણો છો. તમે પણ જાણો છો કે કયા સંજોગોમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. હું બાળાસાહેબના હિન્દુત્વને આગળ વધારવા માટે કામ કરીશ. તમામ 50 ધારાસભ્યો અમારી સાથે છે. અમે અમારા વિધાનસભા ક્ષેત્રની સમસ્યાઓ વિશે મુખ્યમંત્રીને ઘણી વખત જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ અમારી વાત પર ક્યારેય ધ્યાન આપ્યું નથી. ઔરંગાબાદ અને ઉસ્માનાબાદના નામ બદલવાના નિર્ણય અંતિમ દિવસોમાં લેવાયો હતો. જે ગણો પહેલા લેવાઈ જવો જોઈતો હતો.
એકનાથ શિંદેએ કહ્યું કે, સંખ્યાબળના મામલે ભાજપ અમારાથી ગણું આગળ છે, તેમના પોતાના 106 ધારાસભ્યો છે. પરંતુ દેવેન્દ્ર ફડણવીસએ મોટું દિલ બતાવીને બાળાસાહેબના વિચારોને આગળ લઈ જવાનું કામ કર્યું છે. દેવેન્દ્ર ફડણવીસ જેવી વ્યક્તિ મળવી મુશ્કેલ છે. આટલું મોટું પદ બીજાને આપવું એ રાજકારણમાં ઘણું કામ છે. બાળાસાહેબ ઠાકરેના એક શિવસૈનિકને તક આપવામાં આવી છે. આ રાજ્યની જનતાએ જે અપેક્ષા રાખી છે તેને પૂર્ણ કરવા માટે અમે દિવસ-રાત મહેનત કરીશું.
ભાજપ અને શિંદેગ્રુપ સાથે મળીને મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવશે અને મહારાષ્ટ્રના નવા સીએમ દેવેન્દ્ર ફડણવીસ હશે તેવુ લોકો માની રહ્યાં હતા. જો કે, ફડણવીસે જ મહારાષ્ટ્રના સીએમ તરીકે એકનાથ શિંદેના નામની જાહેરાત કરી હતી.