લંડનઃ ભારતીય ટીમના ઓપનર રોહિત શર્માએ પોતાની કેરિયરની શાનદાર બેટીંગ કરી હોવાનું કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું હતું. આ ઉપરાંત કેપ્ટન વિરાટ કોહલીએ રાહુલ, ધોની અને હાર્દિક પંડ્યાની વખાણ કર્યા હતા. તેમજ ભારતીય બોલરોની મદદથી જ આફ્રિકાને 227 રન સુધી સિમિત રાખી શકાયું હોવાનું કહ્યું હતું.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામેની મેચ જીત્યા બાદ મેચ પ્રેસ કોન્ફ્રન્સમાં રોહિત શર્માની બેટિંગના વખાણ કરતા કહ્યું હતું કે, આ તેના કરિયરની સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સ હતી. રોહિત જયારે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે કોઈ પણ ક્ષણે એવું ન લાગ્યું હતું કે તે આઉટ થઇ જશે. તેણે અનુભવ દેખાડતા ખૂબ જ સારી રીતે ટાર્ગેટ ચેઝ કરવા માટે ઇનિંગ્સ બિલ્ડ કરી હતી. મારા મતે આ તેના કરિયરની શ્રેષ્ઠ ઇનિંગ્સ છે. ક્યારેક નાના ટાર્ગેટ હેરાન કરી શકે છે, પરંતુ રોહિતે જોરદાર બેટિંગ કરી હતી અને રિસ્ક ફ્રી રન ફટકાર્યા હતા. રાહુલ અને ધોનીએ પણ સારું યોગદાન આપ્યું હતું, જયારે હાર્દિકે પોતાની સ્ટાઇલમાં મેચ ફિનિશ કરી હતી.
ગયા વર્ષે દક્ષિણ આફ્રિકા કુલદીપ-ચહલ સામે બેટિંગ કરવામાં તકલીફ થઇ હતી, તે લીધે અમે બંનેને પ્લેઈંગ 11માં રમાડ્યા હતા. કુલદીપે એક બાજુથી રનગતિ રોકી રાખી હતી, જયારે ચહલે વિવિધતા સાથે શાનદાર સ્પેલ નાખ્યો હતો. ચહલનો પોતાની બોલિંગ પર આત્મવિશ્વાસ તેની સૌથી મોટી તાકત છે. તેણે એક ઓવરમાં 2 વિકેટ લઈને મેચનું રૂપ બદલી નાખ્યું હતું.