આહવાઃ દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ બરોબરનું જામ્યુ છે. ડાંગ જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે. ડાંગ જિલ્લાના શિવઘાટ ચોમાસાની સિઝનમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનતું હોય છે. હાલ જિલ્લામાં વરસાદી માહોલ જામતા ડાંગની સુંદરતાને ચાર ચાંદ લાગ્યાં છે. ધોધ અને ખળખળ વહેતા ઝરણાને લીધે આહલાદક નજારો જોવા મળી રહ્યો છે. આ વર્ષે પણ રોડની બાજુમાંથી પસાર થતી વેળા સેલાણીઓ અહીં રોકાઈને સેલ્ફી લીધા વગર આગળ જઈ શકતા નથી.
ઉત્તરથી લઈને દક્ષિણ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં મન મૂકીને વરસાદ વરસી રહ્યો છે. આ વચ્ચે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી છે. ગિરનાર, અંબાજી, સાપુતારા, ડાંગ જેવા વિસ્તારોમાં વરસાદે જે જમાવટ કરી છે, તેમાં કુદરતનું સૌમ્ય સ્વરૂપ દેખાઈ રહ્યુ છે. ત્યારે ગિરીમથક સાપુતારામાં વહેલી સવારે વરસાદી ઝાપટું પડ્યા બાદ એકાએક અહીંનું વાતાવરણ બદલાયું છે. વાતાવરણ એવુ આહલાદક બન્યુ છે કે કૂદરતના નજારાને નિહાળવા માટે પ્રવાસીઓ પણ ઉમટી રહ્યા છે.
ડાંગ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગીરીમથક સાપુતારામાં વહેલી સવારથી જ મનોરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. ગુજરાતના એકમાત્ર હિલસ્ટેશન ગણાતા સાપુતારામાં ધુમ્મસીયા વાતાવરણને લઈને પ્રવાસીઓમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો છે. સવારથી જે પ્રવાસીઓ ડાંગ પહોચ્યા છે તે માટે આ વરસાદી સીઝન ખાસ બની રહી છે. સાપુતારા ખાતે વરસાદી માહોલને લઈને સમગ્ર વાતાવરણ ગાઢ ધુમ્મસીયું થઈ જતા પ્રવાસીઓએ આ આહલાદક વાતાવરણને મન ભરીને માણ્યું હતું. જ્યારે ગાઢ ધુમ્મસીયા વાતાવરણથી અલગ અલગ પોઈન્ટ્, ઉપર જવા માટે વાહનચાલકોને વાહન હંકારવા ભારે કસરત પણ કરવી પડી હતી. ગાઢ ધુમ્મસ છવાઈ જતા અને વહેલી સવારથી જ સાપુતારાની ગિરિકંદરાઓ ગાઢ ધુમ્મસમાં છવાઈ જતા આ આહલાદક વાતાવરણનો નજારો જોવા મળ્યો હતો