ગુજરાતમાં 11મીથી 17મી ઓગસ્ટ દરમિયાન એક કરોડ ઘરો પર ત્રિરંગો લહેરાવાશે
ગાંધીનગર : ગુજરાતમાં આગામી 11 થી 17 ઓગસ્ટ દરમિયાન રાજ્યના એક કરોડ ઘરો ઉપર ત્રિરંગો લહેરાવી હર ઘર તિરંગા અભિયાન યોજવામાં આવશે. બીજી તરફ ગુજરાત સરકારના રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ 1 કરોડ ઘરનો ટાર્ગેટ પૂર્ણ કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં તા. 11 થી 17 ઓગસ્ટ દરમિયાન આયોજિત હર ઘર તિરંગા અભિયાન ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે જેના પગલે ગુજરાતના એક કરોડ નિવાસસ્થાનો ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાઓના હેડવાટર, હોટલ, રેસ્ટોરન્ટ, પેટ્રોલ પંપ, ઔદ્યોગિક એકમો, અને સસ્તા અનાજની દુકાનો સહિત તમામ સરકારી કચેરીઓ અને નિવાસસ્થાનો ઉપરથી રંગો લહેરાવી સ્વયંભૂ ઝુંબેશ હાથ ધરવામાં આવશે
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાતના એક કરોડ ઘર ઉપર ઘર ઘર તિરંગાના અભિયાનને સાર્થક કરવા રાજ્ય સરકારના રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગે અત્યારથી જ કવાયત શરૂ કરી છે, જ્યારે ગુજરાત સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગે રાજ્યની તમામ સત્તાના દુકાનો ઉપર આ અભિયાન અંતર્ગત ત્રી- રંગો લહેરાવવાની સૂચના આપી છે. ત્યારે ભારત સરકારના આ કાર્યક્રમ માટે હાલ ગુજરાત સરકારના મોટાભાગના વિભાગો લક્ષ્યાંક પૂરો કરવા મથામણ કરી રહ્યા છે. તાલુકા અને જિલ્લાની સરકારી કચેરીઓને પણ ત્રિરંગો લહેરાવવાની સુચના આપી દેવામાં આવી છે. રાજ્યના તમામ ગામડાંઓમાં ગ્રામ પંચાયતો પર પણ ત્રિરંગો લહેરાવાશે. દરમિયાન ભાજપના પદાધિકારીઓને અને કાર્યકર્તાઓને પણ હર ઘર ત્રિરંગા અભિયાનમાં જોડવામાં આવશે.