અમદાવાદઃ ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના 9 તાલુકાના 97 ગામે નર્મદાના નીર પહોંચાડવા માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. રૂ.૫૫૦ કરોડના ખર્ચે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના જલોત્રા ગામના કરમાવત તળાવને નર્મદાના નિરથી ભરવા માટે રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. તેમ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું કે, ત્રણ જિલ્લાના ખેડૂતોને સિંચાઈની સુવિધા પૂરી પાડવા માટે બનાસકાંઠા જીલ્લાના વડગામ તાલુકાના લોકોની તથા ભારતીય કિસાન સંઘ તેમજ સ્થાનિક અગ્રણીઓ દ્વારા નર્મદાના નીરથી જલોત્રા ગામના કરમાવદ તળાવ ભરવાની રજુઆતને ધ્યાને લઈને મુખ્યમંત્રીએ આ મહત્વનો નિર્ણય કર્યો છે.
તેમણે ઉમેર્યુ કે, કરમાવદ તળાવમાં નર્મદાના નીર પહોંચાડવા માટે નર્મદા મુખ્ય નહેરની સાંકળ-૩૧૧ કિ.મી. પરથી ઓફટેક થતી મોઢેરાથી મોટીદાઉ સુધીની એમ.એસ પાઇપલાઇનને મુકતેશ્વર જળાશય સુધી લંબાવીને મુકતેશ્વર જળાશય તથા ત્યાંથી કરમાવત તળાવને જોડતી પાઇપલાઇનની અંદાજીત રૂ. 550કરોડની યોજનાને સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
આ યોજના અંતર્ગત મહેસાણા તાલુકાના મોટીદાઉથી વડગામ તાલુકાના કરમાવદ તળાવ સુધી આશરે 70 કિ.મી. લંબાઇની એમ.એસ. પાઇપલાઇન નાંખવામાં આવનાર છે. જે પૈકી મુક્તેશ્વર જળાશય સુધી 200 ક્યુસેક વહનક્ષમતા ધરાવતી પાઇપલાઇન તથા ત્યારબાદ કરમાવદ તળાવ સુધી 100 ક્યુસેક વહનક્ષમતા ધરાવતી પાઇપલાઇન નાંખવાનું આયોજન કરાયું છે.
આ પાઇપલાઇન થકી મોટીદાઉ થી આશરે 280 મીટરની ઉંચાઇ પર નર્મદાનું પાણી લીફ્ટ કરી કરમાવદ તળાવ સુધી પહોંચાડવામાં આવશે. આ પાઇપલાઇન યોજનાથી કરમાવદ તળાવ ઉપરાંત મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જીલ્લાના 9 તાલુકાના કુલ 97 ગામોને નર્મદાના પાણી થકી પૂરક સિંચાઇનો લાભ મળશે.
(Photo-File)