પુણે-સતારા હાઇવે: ખંભાતકી ઘાટ પર નવો 6-લેન ટનલ પ્રોજેક્ટ માર્ચ 2023 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના
નવી દિલ્હીઃ પુણે-સતારા હાઈવે (NH-4) પર ખંભાતકી ઘાટ ખાતે નવી 3-લેન જોડી એટલે કે કુલ 6-લેન ટનલ છે. હાલમાં આ કામગીરી સંપૂર્ણ ઝડપે ચાલી રહી છે, અને માર્ચ 2023 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. તેમ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું.
કેન્દ્રીય મંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, સતારા-પુણે દિશામાં હાલના ‘S’ વળાંકને ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે, જે અકસ્માતના જોખમમાં ભારે ઘટાડો કરશે. આ 6.43 કિલોમીટર લાંબા પ્રોજેક્ટનો કુલ મૂડી ખર્ચ લગભગ રૂ. 926 કરોડ છે અને તે માર્ચ, 2023 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.
તેમણે વધુમાં કહ્યું કે, પીએમ મોદીના નેતૃત્વમાં આપણો દેશ અભૂતપૂર્વ માળખાકીય પરિવર્તનનો સાક્ષી છે અને ‘કનેક્ટિવિટી દ્વારા સમૃદ્ધિ’ ફેલાઈ રહી છે. ન્યૂ ઈન્ડિયા વિશ્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચરની માંગ કરે છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, આ ટનલ કનેક્ટિવિટી વધારશે અને સૌથી અગત્યનું, તેમના વેલ્યુ ઓવર ટાઈમ (VOT) અને વેલ્યુ ઓવર કોસ્ટ (VOC) બચત દ્વારા મુસાફરોને સીધો લાભ આપશે. સતારા-પુણે વાયા પુણે-સતારા અને ખંભાતકી ઘાટનો સરેરાશ પ્રવાસ સમય અનુક્રમે 45 મિનિટ અને 10 થી 15 મિનિટનો છે. તે જ સમયે, આ ટનલ પૂર્ણ થતાં, આ સરેરાશ મુસાફરીનો સમય ઘટીને 5 થી 10 મિનિટ થઈ જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં કનેક્ટીવીટીમાં વધારો થાય તે માટે અનેક નવા માર્ગો બનાવવાની સાથે હાઈવે પણ પહોંળા કરવામાં આવ્યો છે. જેથી પરિવહનની સુવિધામાં વધારો થયો છે.