ગુજરાત યુનિ.સંલગ્ન પ્રભુદાસ ઠક્કર કોલેજ સહિત ગ્રાન્ટેડ કોલેજો નજીવા ગ્રાન્ટ લીધે બંધ થવાની નોબત
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ગ્રાન્ટેડ કોલેજોને નજીવી ગ્રાન્ટ અપાતી હોવાથી કોલેજના સંચાલકો ઘણા સમયથી આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યો છે. શહેરમાં 50થી વધુ વર્ષ જૂની બે કોલેજ બંધ કરવા મેનેજમેન્ટે સામેથી અરજી કરી છે. જેમાં પાલડી વિસ્તારની પ્રભુદાસ ઠક્કર કોમર્સ કોલેજ અને સાબરમતીમાં આવેલી સાબરમતી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનો સમાવેશ થાય છે. બંને કોલેજમાં અંદાજે 1300 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. આ ઉપરાંત આંબાવાડીમાં આવેલી સહજાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજે પ્રથમ વર્ષમાં ગુજરાતી-અંગ્રેજી વિષય બંધ કરવા તેમજ શહેરના આશ્રમ રોડ પર આવેલી એચ.કે. આર્ટ્સ કોલેજે ઈતિહાસ-સામાજિક વિજ્ઞાન વિષય બંધ કરવા અરજી કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ગ્રાન્ટેડ કોલેજો ઘણા સમયથી આર્થિક સમસ્યાનો સામનો કરી રહી છે. અમદાવાદ શહેરમાં પાલડી વિસ્તારમાં આવેલી પ્રભુદાસ ઠક્કર કોલેજ, સાબરમતી વિસ્તારમાં આવેલી સાબરમતી આર્ટ્સ એન્જ કોમર્સ કોલેજ બંધ કરવાની કોલેજ સંચાલકોએ યુનિ.ને અરજી કરી છે. જ્યારે અન્ય ગ્રાન્ટેડ કોલેજોએ પણ પ્રથમવર્ષ બંધ કરવા કે વર્ગો બંધ કરવા માટે યુનિને અરજી કરી છે. સહજાનંદ કોલેજમાં આશરે 350થી 400 તેમજ એચ.કે.કોલેજમાં 1050 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. કોલેજ સત્તાવાળાનું કહેવું છે કે, શિક્ષણ વિભાગ તરફથી શૈક્ષણિક અને વહીવટી ખર્ચ માટે માત્ર 40થી 45 હજાર ગ્રાન્ટ મળે છે. પરંતુ કોલેજોનો લાખોનો વાર્ષિક ખર્ચ કોલેજ સત્તામંડળે ભોગવવો પડે છે. સાબરમતી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ટ્રસ્ટી અગ્રણી અમિત ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ગ્રાન્ટની સરખામણીએ ખર્ચ ગણો વધુ છે. પ્રભુદાસ ઠક્કર કોમર્સ કોલેજના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે, અમારી આર્ટ્સ કોલેજ 10 વર્ષ પહેલાં બંધ કરાઈ હતી. કોમર્સ કોલેજમાં પૂરતો સ્ટાફ નથી અને ખર્ચ વધુ હોવાથી બંધ કરવા માટે અરજી કરી છે. સહજાનંદના પ્રિન્સિપાલ મુકેશ પરમારે જણાવ્યું હતું કે, 12 પ્રોફેસરની ઘટ હોવાથી પ્રથમ વર્ષ આર્ટ્સ, કોમર્સમાં ગુજરાતી, અંગ્રેજી વિષય બંધ કરવા અરજી કરી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદની પ્રભુદાસ ઠક્કર કોમર્સ કોલેજ,પાલડી, આશરે 50 કરતા વધારે વર્ષ જૂની આ સંસ્થા છે. જેમાં કોમર્સ વિદ્યાશાખામાં આશરે 450થી 500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જ્યારે સાબરમતી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, સાબરમતી, આશરે 55 વર્ષ જૂની સંસ્થા છે. અંદાજે 800થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેમજ સહજાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ,આંબાવાડી, (આર્ટસ કોલેજમાં પ્રથમ વર્ષમાં ગુજરાતી, અંગ્રેજી વિષય બંધ કરવા માટેની અરજી કરાઈ છે). આશરે 50 કરતાં વધારે વર્ષો જૂની આ સંસ્થામાં આર્ટ્સમાં 350થી400 આસપાસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તથા એચ કે આર્ટ્સ કોલેજ (ઇતિહાસ અને સામાજિક વિજ્ઞાન વિષય બંધ કરવા માટેની અરજી કરાઈ છે.) આશરે 55 વર્ષો જૂની આ સંસ્થા છે , જેમાં 1050 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ગ્રાન્ટેડ કોલેજો બંધ થશે તો વિદ્યાર્થીઓને મુશ્કેલી પડશે.
રાજ્ય અધ્યાપક મંડળના મહામંત્રીએ જણાવ્યું હતું કે, ગરીબ અને મધ્યમ વર્ગ તેમજ સમાજના તમામ વર્ગોને રાહત દરે અને ઉત્તમ શિક્ષણ મળી રહે તે હેતુથી વર્ષો પહેલા દાતાઓ દ્વારા જમીનો દાનમાં આપીને ગ્રાન્ટ ઈન એઈડ સંસ્થાઓ ઉભી કરવામાં આવી છે. જેને સરકાર દ્વારા અનુદાન અપાય છે. સરદાર વલ્લભભાઈ પટેલ, કનૈયાલાલ મુનશી જેવા મહાન રાષ્ટ્રીય નેતાની વિચારધારાથી આ કોલેજોનુ નિર્માણ શક્ય બન્યું હતું. આ કોલેજોને કોઈ પણ ભોગે બંધ ન કરી શકાય. જો આ કોલેજો બંધ કરવાથી વિદ્યાર્થીઓને ખાનગી કોલેજોમા અભ્યાસ કરવાની ફરજ પડશે.જે ગ્રાન્ટ ઈન એઈડ કોલેજો બંધ કરવા માટે ગુજરાત યુનિવર્સિટીને અરજી કરવામાં આવી છે. તેઓએ તેમને પડતી મુશ્કેલીઓનુ યોગ્ય નિરાકરણ લાવવા સરકારનું ધ્યાન દોરવું જોઈએ.