થાઈરોઈડની સમસ્યા છે? તો આ યોગાસન જરૂર કરો,થશે ફાયદો
થાઈરોઈડની સમસ્યા એક એવી સમસ્યા છે કે જેમાં ક્યારેક કોઈનું શરીર ફટાફટ પાતળું થતુ હોય તો ક્યારેક કોઈનું શરીર જાડુ થતુ હોય છે. આ પણ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી જ બીમારી છે જેમાં લોકો લાંબો સમય પરેશાન રહે છે, પણ જો જેમ ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની સમસ્યા માટે દવા છે તેમ થાઈરોઈડની સમસ્યા માટે પણ યોગાસન છે જે અતિમદદરૂપ સાબિત થઈ શકે છે.
જાણકારોના કહેવા પ્રમાણે સર્વાંગાસન થાઈરોઈડ માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ કરવા માટે યોગા મેટ પાથરી તમારી પીઠ પર સૂઈ જાઓ. સામાન્ય શ્વાસ લો. હાથને જમીન પર રાખો અને ધીમે ધીમે શરીરને કમરથી ઉપરની તરફ કરો. બંને હાથને જમીન પરથી ઉભા કરો અને પીઠને ટેકો આપો. આ દરમિયાન કોણીને જમીન પર રાખો. કમરથી ઉપરના ભાગને ઉંચા રાખો અને તમામ વજન હાથ અને ખભા પર મૂકો. થોડો સમય આ સ્થિતિમાં રહો. તે પછી સામાન્ય મુદ્રામાં પાછા આવો.
આ ઉપરાંત મત્સ્યાસન પણ ફાયદાકારક સાબીત થઈ શકે છે, આ યોગા માટે તમે પોતાની મેટ પર તમારી પીઠ પર સૂઈ જાઓ અને તમારા પગને પદ્માસનની મુદ્રામાં રાખો. જાંઘ અને ઘૂંટણને ફ્લોર પર રાખીને શ્વાસને ઉપર તરફ ખેંચો અને છાતીને ઉંચી કરવાનો પ્રયાસ કરો. માથાના ઉપરના ભાગને જમીન પર રાખો. થોડો સમય આ સ્થિતિમાં રહો. ધીમે ધીમે સામાન્ય સ્થિતિમાં પાછા આવો.
ઉલ્લેખનીય છે કે થાઇરોઇડ હોર્મોન તમારા શરીરના પાચનતંત્રને નિયંત્રિત કરવાનું કામ કરે છે. જ્યારે થાઇરોઇડ ગ્રંથિમાં કોઈ પ્રકારની ગરબડ થાય છે, ત્યારે આ ગ્રંથિ જરૂરિયાત કરતાં વધુ કે ઓછા હોર્મોન્સ છોડે છે. ત્યારે વ્યક્તિને થાઈરોઈડને લગતી સમસ્યા થાય છે.