ભાવનગરઃ જિલ્લાના તળાજા તાલુકામાં મેથળા ગામની સીમમાં આવેલો મેથળા બંધારો તળાજા તાલુકામાં પડેલા એક જ ભારે વરસાદમાં છલકાઈ ઉઠતાં આ વિસ્તારના ખેડુતોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી. મેથાળા બંધ ભરાઈ જતાં હવે ખેડુતોનો સિંચાઈનો પ્રશ્ન હલ થઈ ગયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર પંથકમાં માત્ર ખેડૂતો તથા અનેક ગામોના લોકો, પર્યાવરણ પ્રેમીઓ સાથે દાતાઓના આર્થિક અનુદાન સાથે સેંકડો શ્રમજીવીઓએ લોહી-પરસેવો એક કરી તૈયાર કરેલા મીઠા પાણીનો વિશાળ બંધારાનું તળાજા તાલુકાના મેથળા ગામની સીમમાં સરકારી પડતર જમીન પર આજથી બે વર્ષ પૂર્વે નિર્માણ કર્યું હતું. છેલ્લા બે વર્ષથી તળાજા પંથકમાં સારા વરસાદને પગલે ચોમાસાની સિઝનમાં અનેક વખત બંધારો છલકાઈ જાય છે. આ બંધારાને પગલે સેંકડો ખેડૂતોને બારેમાસ ખેત સિંચાઈ માટે પાણી અને માલધારીઓને પોતાના પશુઓના નિભાવ માટે વિશાળ જળ રાશિ બારે માસ ઉપલબ્ધ બને છે.
તળાજા તાલુકાના મેથાળા ગામના ખેડુતોએ જણાવ્યું હતું કે, આ બંધારાના નિર્માણથી લાખો લીટર મીઠા પાણીનો સંગ્રહ થવાથી ભૂગર્ભ જળસ્તર તથા પર્યાવરણને પારાવાર લાભ થઈ રહ્યો છે. જો કે આ બંધારો નિર્માણથી લઈને આજદિન સુધી વિવિધ પ્રકારે વિવાદોનું કેન્દ્રબિંદુ બન્યો હતો. આ બંધારામાં “જશ” ખાટવા સરકાર કે નેતાઓને કોઈ લાગ-તક ન મળતા નેતાઓ સાથે સરકારના પેટમાં તસતસતું તેલ રેડાયું હોય એવી સ્થિતિ બની હતી. પરિણામે સરકાર વિવિધ બહાને અવારનવાર રોડા નાંખવાનો હિન પ્રયાસ પણ ભૂતકાળમાં કરાયો હતો. ગત વર્ષે ભારે વરસાદને પગલે બંધારાના એક સાઈડનો કાચો પાળો જીર્ણક્ષીર્ણ થઈ ને ધોવાઈ જતાં લાખો લીટર મીઠું પાણી દરિયામાં વ્યર્થ વહી જવા પામ્યું હતું. આમ છતાં ખેડૂતો તથા મેથાળા અને તેની આજુબાજુના ખેડુતોએ હિંમત હાર્યા વિના ગત ઉનાળાના અંતમાં લોક ભાગીદારીથી પાળાનુ સમારકામ પૂર્ણ કર્યું હતું. હવે હાલના ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં અને તળાજા પંથકમાં માત્ર બે દિવસ પડેલા ભારે વરસાદને પગલે મેથળા બંધારો પૂર્ણ સપાટીએ ભરાઈને છલકાતાં ખેડૂતો-ગ્રામજનોમાં હરખની હેલી છવાઈ છે. હજુ તો છે. ચોમાસાની શરૂઆત માત્ર છે ત્યાં જ બંધારો છલકાતાં લોકો કુદરતનો મનોમન પાડ માની રહ્યા છે.