પાટણઃ શહેર અને જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ સર્જાયો છે. શહેરના મહોલ્લા, પોળો અને સોસાયટી વિસ્તારમાં અનેક મકાનો જજૅરિત હાલતમાં પડવાના વાંકે ઉભા છે, ચોમાસાની ઋતુમાં આવા કેટલાય મકાનો વરસાદી પાણીના કારણે ભેજવાળા બનીને ધરાશાયી બનતા હોય છે. ત્યારે શહેરના ખેજડાની પોળના સોનીવાડા વિસ્તારમાં એક જર્જરિત મકાન ધડાકા સાથે તૂટી પડ્યું હતું. જોકે કોઈ જાનહાની ન થતાં તંત્રએ પણ રાહત અનુભવી હતી.
પાટણ નગરપાલિકા દ્વારા દર ચોમાસા પૂર્વે શહેરના મહોલ્લા,પોળો અને સોસાયટી વિસ્તારનાં જજૅરિત બનેલા મકાનોનાં માલિકોને ફક્ત ને ફક્ત નોટિસની બજવણી કરી સંતોષ વ્યક્ત કરતી હોવાના કારણે આવા જજૅરિત મકાનો ચોમાસામાં ધરાશાયી થતાં હોવાનાં કિસ્સા અવાર નવાર બનતા હોય છે. દરમિયાન રાત્રે શહેરના ખેજડાની પોળ, સોનીવાડા ખાતે એક જજૅરિત મકાન અચાનક ધરાશાયી થતાં અફડા તફડી મચી જવા પામી હતી. જોકે, આ જજૅરિત મકાન ધરાશયી બન્યું ત્યારે આજુબાજુમાં કોઈ હાજર ન હોય જાનહાનિ ટળતા આજુબાજુના લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
આ બનાવની જાણ આ વિસ્તારના કોર્પોરેટર અને શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત ભાટીયાને થતા તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ મ્યુનિના તંત્રને જાણ કરી હતી. દરમિયાન મ્યુનિના ફાયરબ્રિગેડ વિભાગનો સ્ટાફ દોડી આવ્યો હતો, આ ઘટનામાં કોઈ જાનહાની ન થતા તંત્રએ રાહત અનુભવી હતી, પાટણ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા ચોમાસા પૂર્વે શહેરના જજૅરિત બનેલા મકાનોનાં માલિકોને નોટિસની બજવણી કયૉ બાદ સંતોષ વ્યક્ત કરવાની જગ્યાએ જજૅરિત મકાન માલિકો સામે કડક કાર્યવાહી હાથ ધરે તેવી માંગ શહેરીજનોમાં ઉઠવા પામી છે.