ગુજરાત યુનિ.એ MSC સે- 4નું જાહેર કરેલું પરિણામ રદ કરવા વિદ્યાર્થીઓએ CMOમાં કરી રજૂઆત
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા એમએસસી સેમેસ્ટર 4 (સ્ટેટેસ્ટિકસ)ના પરિણામથી વિદ્યાર્થીઓમાં અસંતોષ ઊભો થયો છે. તેથી આ પરિણામ તાકીદે રદ કરવા અને થિયરી અને પ્રેક્ટિકલના પેપરો યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર વિભાગના પ્રોફેસરો સિવાયના બહારના તટસ્થ પ્રોફેસરો પાસે તપાસવાની માંગણી વિદ્યાર્થી દ્વારા મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવી છે. સામાન્ય રીતે આ પ્રકારની ફરિયાદો રજિસ્ટ્રાર અને કુલપતિ સમક્ષ કરવામાં આવતી હોય છે, જોકે, વિદ્યાર્થીઓએ એવો ઉલ્લેખ કર્યો છે સ્થાનિક કક્ષાએ ન્યાય ન મળતાં સીએમઓમાં ફરિયાદ કરવાની જરૂર પડી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાયેલી એમએસસી સેમેસ્ટર 4 સ્ટેટેસ્ટિક્સની પરીક્ષામાં એક વિદ્યાર્થિની પાસેથી કાપલી મળી હોવા છતાં તેને પરીક્ષામાં બેસવા દેવા અને અન્ય વિદ્યાર્થીને ગેરરીતિના આરોપસર વર્ગખંડમાંથી કાઢી મુકવામાં આવ્યો હોવાના મુદ્દે ભારે વિવાદ ઊભો થયો હતો. આ ઘટના બાદ યુનિવર્સિટીએ વિદ્યાર્થિની સામે પગલાં લેવાના બદલે ફરિયાદ કરનારા વિદ્યાર્થીનું પરિણામ પણ અટકાવી દીધું હતુ. જેના મુદ્દે આ વિદ્યાર્થીએ જુદા જુદા સ્તરે લેખિત ફરિયાદ કરી છે. હવે આજ ડિપાર્ટમેન્ટના એક વિદ્યાર્થીએ સીએમઓ ઓફીસમાં ફરિયાદ કરી હતી જેમાં આ વિભાગના પ્રોફેસરો દ્વારા કેવી રીતે લાગવગશાહી અને વ્હાલા-દવલાની નીતિ અપનાવવામાં આવે હતી તેનો વિગતવાર ઉલ્લેખ કર્યો હતો. ફરિયાદમાં કરેલી નોંધ પ્રમાણે એમએસસી સેમેસ્ટર 4માં એક વિદ્યાર્થી રેગ્યુલર પરીક્ષા દરમિયાન રમત સ્પર્ધા માટે બહારગામ હોવાથી પરીક્ષા આપી શકયો નહોતો. નિયમ પ્રમાણે આ વિદ્યાર્થીની અન્ય જાહેર પરીક્ષા સાથે પરીક્ષા લેવાની હોય છે પરંતુ ડીપાર્ટમેન્ટ દ્વારા આ વિદ્યાર્થીની અલગથી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતુ.
સીએમઓમે કરાયેલી રજુઆતમાં એવો પણ આક્ષેપ કરાયો છે કે, વેકેશન દરમિયાન એક વિદ્યાર્થીને બોલાવીને તેની પરીક્ષા લેવામાં આવી હતી. આંકડાશાસ્ત્રના વડાએ ફોન કરીને ખાનગી રીતે પરીક્ષા લેવા માટે આ વિદ્યાર્થીને બોલાવ્યો હતો. અલગથી આ વિદ્યાર્થીને એકલાને બેસાડીને પરીક્ષા લેવામાં આવી હતી. આ બે દિવસની પરીક્ષા દરમિયાન ખંડ નિરીક્ષક તરીકે કોઇપણ હાજર નહોતું. દેખાવ પુરતું બિનશૈક્ષણિક સ્ટાફ બે મિનિટ માટે આંટો મારીને આવતાં હતા.