રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, અને મેલેરિયાના કેસમાં વધારો
રાજકોટ : શહેરમાં વરસાદી સીઝનમાં મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉંચક્યુ છે. શહેરમાં છેલ્લા અઠવાડિયાથી ધીમો વરસાદ વરસી રહ્યો છે ત્યારે ડબલ ઋતુ અને વરસાદી પાણીના ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ ખૂબ વધી જતાં મચ્છરજન્ય રોગચાળો વધવા લાગ્યો છે ડેંગ્યુ તાવના ચાર દર્દી, તેમજ ચિકનગુનિયા, અને મેલેરિયાના દર્દીઓમાં પણ વધારો થઈ રહ્યો છે. હજુ રોગચાળાની સાયકલ મુજબ મચ્છરજન્ય રોગ વધશે તેવી ભીતિ પણ ઉભી થઇ છે. મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય શાખાએ જાહેર કરેલા સાપ્તાહિક રીપોર્ટ મુજબ ડેંગ્યુના ચાર કેસ નોંધાયા છે, ઉપરાંત મેલેરિયાના કેસમાં પણ વધારો થયો છે. તેમજ શરદી ઉધરસ સહિત વાયરલ કેસમાં પણ વધારો થતો જાય છે.
ચોમાસુ ઋતુમાં વરસાદી પાણીના ભરાવા, સાફ સફાઇના અભાવ અને બેદરકારીથી પણ મચ્છરોના બ્રિડીંગ વધે છે. ડેંગ્યુ ફેલાવતા એડીસ મચ્છરના ઉપદ્રવના કારણે આ રોગચાળો વધવા લાગ્યો છે. આ ઉપરાંત ડબલ ઋતુમાં સિઝનલ રોગચાળાના કેસ પણ વધ્યા છે. અઠવાડિયામાં શરદી, ઉધરસના 313, સામાન્ય તાવના 68 અને ઝાડા-ઉલ્ટીના 92 મળી વાયરલના પણ 473 દર્દી નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળાને ડામવા માટે મ્યુનિ.કોર્પોરેશને ઝૂબંશ શરૂ કરી છે. સપ્તાહમાં 16,463 ઘરોમાં પોરાનાશક અને 249 ઘરોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવી હતી. જેમાં કૃષ્ણનગર સોસાયટી., ગુરૂપ્રસાદ સોસાયટી., શ્રી હરી સોસા., ગોલ ટ્રીઓ ફલેટ તથા આસપાસનો વિસ્તાર, ભવાનીનગર, રામનાથપરા, રામનાથ મંદિર આસપાસનો વિસ્તાર, શાસ્ત્રીનગર વગેરે વિસ્તારોનો સમાવેશ થાય છે. મેલેરીયા શાખા દ્વારા 438 મિલકતોમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવી હતી. જેમાં રહેણાંક સહિત 376 આસામીને નોટીસ આપવામાં આવી છે. ડેંગ્યુના કસમાં વધારો થયો છે ત્યારે લોકોને ઘર અને આજુબાજુમાંથી ભરાયેલા પાણીનો નિકાલ કરવા તંત્ર દ્વારા સલાહ આપવામાં આવી છે.