અમે વંચિતતાને અવસરમાં પરિવર્તિત કરવા માટે સંખ્યાબંધ ઐતિહાસિક નિર્ણયો લઇ રહ્યા છીએઃ પીએમ મોદી
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેવઘરમાં રૂપિયા 16,800 કરોડના મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગ્રે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, બાબા બૈદ્યનાથના આશીર્વાદથી, આજે રૂપિયા 16,800 કરોડના મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદ્ઘાટન થઇ રહ્યું છે અને શિલાન્યાસ કરવામાં આવી રહ્યો છે. આનાથી ઝારખંડમાં આધુનિક કનેક્ટિવિટી, ઊર્જા, આરોગ્ય, આસ્થા અને પર્યટનને ખૂબ જ મોટો વેગ પ્રાપ્ત થવા જઇ રહ્યો છે.
છેલ્લા 8 વર્ષથી રાજ્યોના વિકાસ દ્વારા રાષ્ટ્રના વિકાસની વિચારસરણી સાથે દેશ કામ કરી રહ્યો છે. છેલ્લાં 8 વર્ષો દરમિયાન ઝારખંડને ધોરીમાર્ગો, રેલવે, હવાઇમાર્ગો, જળમાર્ગો એમ દરેક રીતે જોડવાના પ્રયાસોમાં એક જ વિચાર અને ભાવના સર્વોપરી રહી છે. આ તમામ સુવિધાઓ રાજ્યના આર્થિક વિકાસ પર સકારાત્મક પ્રભાવ પાડશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે, ઝારખંડને બીજું હવાઇમથક મળી રહ્યું છે. આની મદદથી બાબા બૈદ્યનાથના ભક્તોને અહીં દર્શનાર્થે આવવામાં ખૂબ જ સરળતા રહેશે. આજે સરકારના પ્રયાસોના લાભ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે. છેલ્લા 5-6 વર્ષમાં ઉડાન યોજના અંતર્ગત હવાઇમથકો, હેલીપોર્ટ અને વોટર એરોડ્રોમ દ્વારા લગભગ 70 નવા સ્થળો ઉમેરવામાં આવ્યા છે. આજે સામાન્ય નાગરિકોને 400 કરતાં વધારે નવા રૂટ પર હવાઇ મુસાફરીની સુવિધા પ્રાપ્ત થઇ રહી છે. 1 કરોડ કરતાં વધારે લોકોએ ખૂબ જ સસ્તા દરે હવાઇ મુસાફરીનો અનુભવ કર્યો છે, જેમાંથી ઘણાએ તો પહેલી વખત જ હવાઇ મુસાફરીનો અનુભવ કર્યો છે. પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી કે દેવઘરથી કોલકાતાની ફ્લાઇટનો આજથી પ્રારંભ થયો છે અને રાંચી, દિલ્હી તેમજ પટણા માટે ટૂંક સમયમાં ફ્લાઇટ શરૂ કરવામાં આવશે. બોકારો અને દુમકામાં હવાઇમથકો માટે પણ કામ ચાલુ છે.
તેમણે ઉમેર્યું હતું કે, કનેક્ટિવિટીની મદદથી કેન્દ્ર સરકાર દેશમાં આસ્થા અને આધ્યાત્મિકતા સાથે સંકળાયેલા મહત્વપૂર્ણ સ્થળોએ સુવિધાઓ ઊભી કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. બાબા બૈદ્યનાથ ધામમાં પ્રસાદ યોજના હેઠળ આધુનિક સુવિધાઓનું પણ વિસ્તરણ કરવામાં આવ્યું છે. જ્યારે સર્વાંગી અભિગમ દ્વારા પરિયોજનાને માર્ગદર્શન મળે, ત્યારે સમાજના વિવિધ વર્ગો માટે આવકના નવા માર્ગો ખુલે છે અને નવી સુવિધાઓ દ્વારા નવી તકો ઊભી થાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડ રાજ્ય માટે ગેસ આધારિત અર્થવ્યવસ્થામાં વધારો કરવાના દેશના પ્રયાસથી થયેલા ફાયદા બાબતે પણ પ્રકાશ પાડ્યો હતો. “અમે વંચિતતાને અવસરોમાં પરિવર્તિત કરવા માટે સંખ્યાબંધ ઐતિહાસિક નિર્ણયો લઇ રહ્યા છીએ.” ગેઇલની જગદીશપુર-હલ્દિયા-બોકારો-ધામરા પાઇપલાઇનનો બોકારો-અંગુલ પ્રભાગ ઝારખંડ અને ઓડિશાના 11 જિલ્લામાં શહેરી વિસ્તારોમાં ગેસ વિતરણ નેટવર્કનું વિસ્તરણ કરશે.
તેમણે વધુમાં કહ્યું કે, અમે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના મંત્રને અનુસરી રહ્યા છીએ. માળખાકીય સુવિધાઓમાં રોકાણ કરીને વિકાસ, રોજગાર-સ્વ-રોજગારના નવા માર્ગો શોધવામાં આવી રહ્યા છે. અમે વિકાસની મહત્વાકાંક્ષા પર વિશેષ ભાર મૂક્યો છે, મહત્વાકાંક્ષી જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આઝાદી પછી આટલા લાંબા સમય પછી જે 18,000 ગામડાઓનું વિદ્યુતીકરણ કરવામાં આવ્યું હતું તેમાંથી મોટાભાગના દુર્ગમ અને દૂરના વિસ્તારોમાં છે. તેમણે કહ્યું હતું કે, સરકારે છેલ્લા 8 વર્ષમાં નળ, રસ્તા અને ગેસના કનેક્શન લાવવા માટે મિશન મોડમાં કામ કર્યું છે.
આ પરિયોજનાઓ એ વાતનો પુરાવો છે કે જ્યારે સામાન્ય નાગરિકો માટે ઇઝ ઓફ લિવિંગમાં સુધારો કરવા માટે પગલાં લેવામાં આવે છે ત્યારે રાષ્ટ્રીય સંપત્તિનું સર્જન થાય છે અને રાષ્ટ્રીય વિકાસની નવી તકો ઉભરી આવે છે. તેમણે ઉમેર્યું હતું કે, “આ જ સાચો વિકાસ છે અને આપણે સામુહિક રીતે આ વિકાસને વેગ આપવાનો છે.”