સંયુક્ત આરબ અમીરાતમાં ઓમાનથી આવી રહેલી બસના અકસ્માતમાં 17 લોકોના મોત નીપજ્યા છે. મરનારાઓમાં આઠ ભારતીયો પણ સામેલ છે. શુક્રવારે ભારતીય વાણિજ્ય દૂતાવાસે આ વાતની જાણકારી આપી હતી.
દુબઈના સત્તાવાળાઓના જણાવ્યા પ્રમાણે, બસ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા ભારતીયોમાં રાજગોપાલન, ફિરોઝખાન પઠાન, રેશમા ફિરોઝખાન પઠાણ, દીપક કુમાર, જમાલુદ્દીન અરાક્્કાવેટ્ટિલ, કિરન જોહની, વાસુદેવ, તિલકરામ જવાહર ઠાકુરનો સમાવેશ થાય છે.
ભારતીય વાણિજ્ય દૂતાવાસે કહ્યુ છે કે દુખની સાથે એ સૂચિત કરવામાં આવે છે કે સ્થાનિક અધિકારીઓ અને સંબંધીઓના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી દુબઈ બસ એક્સિડન્ટમાં આઠ ભારતીયોના મોત નીપજ્યા છે. વાણિજ્ય દૂતાવાસ કેટલાક મૃતકોના પરિવારજનોની સાથે સંપર્કમાં છે અને કેટલાક અન્યની વિગતવાર જાણકારીની રાહ જોઈ ર્હયા છે, જેથી બાકીનાના પરિવારોને સૂચિત કરી શકાય.
ઓમાનની સરકારી બસ કંપની વાસાલાતે કહ્યુ છે કે આ દુર્ઘટના મસ્કટથી દુબઈના માર્ગમાં ગુરુવારે સાંજે થઈ છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈએ નામોલ્લેખ કર્યા વગર એક અધિકારીને ટાંકીને કહ્યુ છે કે જો કે મરનારાઓની સંખ્યામાં વધારો થવાની ભીતિ છે, કારણ કે આઠ લાશની હજી સુધી ઓળખ થઈ શકી નથી. પ્રારંભિક ઈલાજ બાદ ચાર ભારતીયોને રજા આપવામાં આવી છે, જ્યારે ત્રણને રાશિદ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.
દુબઈમાં પોલીસે શુક્રવારે સવારે આ વાતની ઘોષણા કરી છે કે મૃતકોની સંખ્યા વધવાની શક્યતા છે. તેમણે જણાવ્યું કે આ બસ શેખ મોહમ્મદ બિન જાયદ રોડના સાઈન બોર્ડ સાથે અથડાઈ હતી. જો કે તેમણે તેનું વિવરણ આપ્યું નથી કે કેવી રીતે બસ ડ્રાઈવરે સાઈન બોર્ડ સાથે બસને અથડાવી હતી. પરંતુ પોલીસે સંકેત આપ્યો છે કે ક્યારેક કેટલીક બેદરકારીથી મોટી ઘટનાઓ બની જતી હોય છે.