અમદાવાદઃ શહેરના છેવાડે આવેલા ઓગણજ ગામ નજીક એક ફાર્મની દીવાલ ધરાશાયી થતાં પાંચ મહિલા શ્રમિકો દટાયા હતા. જેમાં ત્રણ મહિલા મજૂરનાં મોત નીપજ્યા હતા. જ્યારે બે શ્રમિક મહિલાઓને ગંભીર હાલમાં સારવાર માટે શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના ઓગણજ ગામ નજીક એક ખાનગી ફાર્મ હાઉસ પાસેની દીવાલને અડીને કેટલાક શ્રમિકો ઝૂપડા બાંધીને રહેતા હતા. શહેરમાં ગુરૂવારની વહેલી સવારે ધોધમાર વરસાદ વરસતા ફાર્મ હાઉસની દીવાલ ધરાસાઈ થતાં તેમાં પાંચ જેટલી શ્રમિક મહિલાઓ દટાઈ હતી. ધટનાની જાણ ફાયર બ્રિગ્રેડને કરાતા ફાયરબ્રિગેડની ટીમ દ્વારા તમામને બહાર કાઢી સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. સારવાર દરમિયાન શીતલબેન (ઉં.વ.16), વનિતાબેન (ઉં.વ.19) અને કવિતાબેન (ઉં.વ.35)નું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે અસ્મિતાબેન (ઉં.વ.22) અને રિંકુબેન (ઉં.વ.19) ની હાલત ગંભીર છે. પ્રાથમિક તપાસમાં વરસાદને કારણે દીવાલ પડી હોવાનું ફાયરબ્રિગેડના અધિકારીઓએ કહ્યું હતુ.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં સવારથી જ અનેક વિસ્તારોમા વરસાદ પડ્યો હતો.શહેરના ઓગણજ વિસ્તારમાં દશેશ્વર ફાર્મ પાછળ આવેલી એક કન્સ્ટ્રક્શન સાઈટની દીવાલ પડવાની ઘટના બની છે. ઓગણજ એસપી રિંગ રોડ તરફની દીવાલ ધસી પડી હતી. જેમાં કામ કરતા પાંચ શ્રમિકો દટાયા હતા. ફાયરબ્રિગેડની ચાર ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ટીમે તમામને રેસ્ક્યૂ કર્યા હતા. જેમાં ત્રણ મજૂરોના મોત નિપજ્યા છે. આ ઘટનાને પગલે વોટર કમિટીના ચેરમેન જતીન પટેલ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા.