રાજકોટ: લોકો પર ટેક્સનું ભારણ વધતું જાય છે. તાજેતરમાં જીએસટીના દરોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેમાં ખાનગી હોસ્પિટલોમાંથી એકઠા કરાતાં બાયો મેડિકલ વેસ્ટની સર્વિસ પર 12 ટકા જીએસટી લેવાનું નક્કી કર્યું છે. ટેક્સનું આ ભારણ હોસ્પિટલો દ્વારા દર્દીઓ પર નાખવામાં આવશે. જીએસટી કાઉન્સિલની છેલ્લી બેઠકમાં આ સર્વિસ પર આપવામાં છૂટ પાછી ખેંચી લેવાનો નિર્ણય કરાયો હતો. ઉપરાંત બાયો મેડિકલ વેસ્ટને એકત્ર કરીને તેનો ગાઈડલાઈન મુજબ નિકાલ કરવાની સુવિધા પર 12 ટકા જીએસટી વસૂલવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેથી ખાનગી હોસ્પિટલોના ખર્ચ વધતા દર્દીનો સારવારનો ખર્ચ પણ હોસ્પિટલો દ્વારા વધારી દેવામાં આવશે. અતે તો દર્દીઓને જ સહન કરવાનું આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ કોમન બાયો મેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસિલિટીઝના આશરે 200 ઓપરેટરો દેશમાં છે અને તેમાંથી 25 ગુજરાતમાં છે. આ ઓપરેટરોના અસોસિએશનની એક રજિસ્ટર્ડ ઓફિસ રાજકોટમાં છે. જેના પ્રતિનિધિ મંડળે કેંદ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણને ગત અઠવાડિયે વિનંતી કરી હતી કે, બીજા પાંચ વર્ષ સુધી આ સુવિધા પર છૂટ આપવામાં આવે. બાયો મેડિકલ વેસ્ટ નુકસાનકારક છે અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સૂચિત કરવામાં આવેલી ગાઈડલાઈન અનુસાર જ તેનો નિકાલ થવો જોઈએ. CBMWTF વિવિધ હોસ્પિટલો અને હેલ્થકેર ફેસિલિટીમાંથી બાયો મેડિકલ વેસ્ટ એકત્ર કરીને તેનો નિકાલ કરવાનું કામ કરે છે. અત્યાર સુધી આ સેવાને ટેક્સમાંથી મુક્ત રાખવામાં આવી હતી. જોકે, હવે જીએસટી કાઉન્સિલે આ છૂટ પાછી ખેંચી લીધી છે અને સર્વિસ પર 12 ટકા ટેક્સ લેવાનું નક્કી કર્યું છે. મતલબ કે, આ નોટિફિકેશન બહાર પડ્યા પછીના હોસ્પિટલોમાં અપાતા બધા જ ઈનવોઈસમાં CBMWTF ઓપરેટરો 12 ટકા જીએસટી લગાવશે. CBMWTF અસોસિએશન ઓફ ઈન્ડિયાના સૂત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી સૌથી વધુ સંક્રામક ગણાતા કોવિડ વેસ્ટનો નિકાલ હોસ્પિટલો પાસેથી કોઈપણ વધારાનો ચાર્જ વસૂલ્યા વિના કરવામાં આવ્યો હતો. અમારી મોટાભાગની ફેસિલિટીમાં ટર્નઓવર 3 કરોડ રૂપિયાથી ઓછું છે અને જીએસટીનો ફાળો પણ નજીવો હશે. એટલે જ આ સુવિધાને જીએસટીમાંથી બાકાત રાખવી જોઈએ, ગુજરાતમાં આવેલા 25 ઓપરેટરો રોજ 35થી 40 ટન મેડિકલ વેસ્ટનો દરરોજ નિકાલ કરે છે.
રાજકોટ મેડિકલ અસોસિએશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, ટેક્સનું ભારણ નિઃશંકપણે જ દર્દીના બિલમાં દેખાશે. કોર્પોરેટ હોસ્પિટલો અત્યારે પણ મેડિકલ રેકોર્ડ રૂમના ચાર્જ દર્દીઓ પાસેથી લે જ છે. હવે જીએસટી લગાવાયું છે ત્યારે હોસ્પિટલો બાયો મેડિકલ વેસ્ટ કલેક્શન સર્વિસની અલગ કોલમ બિલમાં ઉમેરીને રૂપિયા વસૂલશે.