રાષ્ટ્રપતિ ચૂંટણીઃ શિવસેનાએ દ્રૌપદી મૂર્મૂને યોગ્ય ઉમેદવાર ગણાવ્યાં
મુંબઈઃ દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહ સહિતના આગેવાનોએ મતદાન કર્યું હતું. દરમિયાન મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ પણ મતદાન કર્યું હતું. દરમિયાન શિવસેનાએ દ્રૌપદી મૂર્મૂને યોગ્ય ઉમેદવાર ગણાવ્યાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર શિવસેનામાં આંતરીક વિવાદ વચ્ચે એકનાથ શિંદે અને તેમના સમર્થકોએ ભાજપ સાથે મળીને મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવી છે. દરમિયાન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએ તરફથી દ્રૌપદી મૂર્મૂ અને વિપક્ષે યશવંત સિંહાને ઉમેદવાર તરીકે જાહેર કર્યાં હતા. દરમિયાન શિવસેનાએ દ્રૌપદી મૂર્મૂને સમર્થનની જાહેરાત કરી હતી. શિવસેનાના આ નિર્ણયથી મહાવિકાસ અઘાડીના સભ્ય કોંગ્રેસ અને એનસીપીના નેતાઓ ચોંકી ઉઠ્યાં હતા.
શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ પણ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કર્યું હતું. ઠાકરેએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ ચૂંટણીમાં શિવસેનાના દ્રૌપદી મૂર્મૂને સમર્થન કરી રહ્યું છે. અમને વિશ્વાસ છે કે, રાષ્ટ્રપતિ ચૂંટણી અન્ય રાજકીય ચૂંટણીથી અલગ છે, આ સર્વોચ્ચ પદની ચૂંટણી છે અને યોગ્ય ઉમેદવારને જ વોટ આપવો જોઈે, એટલે અમે આ નિર્ણય કર્યો છે.