ભરચોમાસે નર્મદા નદી સુક્કી ભઠ્ઠ, સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પાણી ઘટતા ક્રુઝ બોટ સેવા બંધ કરવી પડી
રાજપીપળાઃ નર્મદા જિલ્લામાં સીઝનના 80 ટકા કરતા પણ વધુ વરસાદ પડ્યો હોવા છતાં ભર ચોમાસે નર્મદા નદી સૂકી ભઠ્ઠ જોવા મળી રહી છે. જેના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક નર્મદા નદીમાં ચાલતી એકતા ક્રુઝબોટ બંધ કરવાનો વારો આવ્યો છે. હાલ ચોમાસાની ઋતુમાં કુદરતી સૌંદર્ય માણવા માટે પ્રવાસીઓની ભીડ વધી રહી છે. ત્યારે નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવનારા પ્રવાસીઓને ક્રુઝ બોટ બંધ કરવામાં આવતા બોટની મઝા માણવાનો લ્હાવો મળી શકશે નહિ. આથી સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નદીમાં પાણી છોડવાની પણ માગ ઊઠી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ નર્મદા જિલ્લામાં સારોએવો વરસાદ પડ્યો હોવા છતાં કેવડિયા નર્મદા ડેમથી છેક ભરૂચ સુધીના વિસ્તારમાં નદી સુકી ભઠ્ઠ જોવા મળી રહી છે. તેના લીધે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં પાણી ભરેલો નદીનો નજારો પણ જોવા મળતો નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક નર્મદા નદીમાં ક્રુઝ બોટ કેવડિયા એકતા નગરમાં ફરવા આવનારા પ્રવાસીઓનું આકર્ષણ હતું અને પ્રવાસીઓ આ બોટમાં બેસવાની મઝા માણતા હતા. પરંતુ હાલ ક્રુઝ બોટને કિનારે મૂકી દેવામાં આવી છે. જેના કારણે પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી છે. જો કે નર્મદા નદીમાં પાણી જ નથી એટલે સુકીભઠ્ઠ નર્મદામાં બોટ કેવી રીતે ચાલે, હાલ નર્મદા ડેમની જળ સપાટી 120.52 મીટર છે. સતત સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે .પરંતુ નર્મદા ડેમ હજુ 18 મીટર ભરાવાનો બાકી છે, જેને કારણે નર્મદા બંધના રિવરબેડ પાવર હાઉસ બંધ બંધ છે. જેમાંથી છોડવામાં આવતું હજારો ક્યુસેક પાણીથી વિયરડેમ ભરાય અને નર્મદામાં 30 મીટરની સપાટી થાય ત્યારે આ ક્રુઝબોટ નર્મદા નદીમાં ફરી શકે, જો કે નર્મદા નદીમાં પાણી ના હોવાને કારણે આ ક્રુઝ બોટ હાલ બંધ કરવામાં આવી છે.