શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ બન્યા રાનિલ વિક્રમસિંઘે, પ્રજામાં નવા રાષ્ટ્રપતિ સામે પણ નારાજગી
નવી દિલ્હીઃ આર્થિક મુશ્કેલીનો સામનો કરતા શ્રીલંકામાં નવા રાષ્ટ્રપતિ તરીકે રાનિલ વિક્રમસિંઘેની પસંદગી કરવામાં આવી છે. પૂર્વ રાષ્ટ્રપતિ રાજપક્ષે શ્રીલંકા છોડીને ભાગ્યા બાદ રાષ્ટ્રપતિ પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું. રાજપક્ષે પરિવારના ખોટા ખર્ચા અને નિર્ણયોને કારણે શ્રીલંકા આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયું છે. રાનિલ વિક્રમસિંઘે નવા રાષ્ટ્રપતિ બનતાની સાથે જ પ્રજાએ રસ્તા ઉપર ઉતરીને તેમનો પણ વિરોધ કર્યો હતો. રાનિલને રાજપક્ષેના વિશ્વાસુ માનવામાં આવે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર શ્રીલંકામાં 1978 બાદ પ્રથમવાર જનદેશના બદલે સંસદમાં સાંસદોના સીક્રેટ વોટથી રાષ્ટ્રપતિની પસંદગી કરવામાં આવી હતી. આમ 44 વર્ષ બાદ સીક્રેટ મતદાન થયું હતું. સંસદમાં રાનિલ વિક્રમસિંઘેને 134 વોટ મળ્યાં હતા. જ્યારે રાષ્ટ્રપતિ પદના મજબુત દાવેદાર મનાતા દુલસ અલ્હાપ્પરુમાને 82 વોટ મળ્યાં હતા. રાનિલ છ વખત દેશના વડાપ્રધાન રહી ચુક્યાં છે અને રાજપક્ષેની પાર્ટી એસએલપીપીના સાંસદોએ ચૂંટણીમાં તેમને સમર્થન આપ્યું હતું.
રાનિલે એક્ટિંગ પ્રેસિડેન્ટ તરીકે શ્રીલંકામાં ઈમરજન્સી લગાવી છે પોલીસ અને સુરક્ષા દળોને પણ કેટલાક અધિકાર આપ્યાં છે. રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા વિપક્ષે કહ્યું હતું કે, રાનિલની પ્રદર્શનકારીઓ સામેની કાર્યવાહીથી કેટલાક નેતાઓને ફાયદો થઈ રહ્યો છે. જેમનાથી જનતા નારાજ છે તેવા સાંસદોને ફાયદો મળે છે. ચૂંટણીમાં હારનો સામનો કરનારા દુલ્લાસ પૂર્વ શિક્ષામંત્રીની સાથે પત્રકાર પણ રહી ચુક્યાં છે. વિપક્ષે તેમને સમર્થન આપ્યું હતું.
શ્રીલંકામાં મોંઘવારી અને બેરોજગારી વધી છે અને ખાદ્યચીજવસ્તુઓના બાવ આસમાને પહોંચતા પ્રજાની મુશ્કેલીમાં વધારો થયો છે એટલું જ નહીં ઈંધણ માટે પણ લોકોએ લાંબી લાઈનમાં ઉભા રહેવુ પડે છે.