ગાંધીનગરઃ રાજ્યમાં સરકારી જમીનો પર દબાણો વધતા જાય છે. તેમજ ઘણીબધી સરકારી જમીનો પર વર્ષોથી દબાણો કરેલા છે. આવા દબાણકર્તાઓને હટાવવા મુશ્કેલ બન્યા છે. સરકારી જમીનો પરના દબાણો દુર કરવા માટે અવાર-નવાર ઝૂંબેશ પણ હાથ દરવામાં આવે છે. ત્યારે હવે સરકારી જમીનો પર દબાણો થશે તો સંબંધિત અધિકારીઓને જ જવાબદાર ઠેરવવાનો સરકારે નિર્ણય લીધો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં સરકારી જમીન પરના દબાણો દૂર કરવા માટે અધિકારીઓની ઢીલી નીતિ સામે રાજ્ય સરકાર દ્વારા અવારનવાર કડક તાકિદ કરવામાં આવી હોવા છતાં તેનું ખાસ પરિણામ ન મળતા હવે સરકારે દબાણના મામલે સંબંધિત અધિકારીઓની જવાબદારી નકકી કરતો આદેશ કરતાં રેવન્યુ વિભાગમાં ખળભળાટ મચી જવા ગયો છે. રાજ્ય સરકારે દબાણ કરનારા આસામીઓ સામે લેન્ડગ્રેબિંગ એકટ અંતર્ગત ગુનો નોંધવા સૂચના આપી છે.
રાજ્ય સરકારે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, પોતાના જિલ્લામાં જે ખુલ્લી જમીન હોય તેની વીડિયોગ્રાફી કરાવી આવી જમીનમાં કોઈ પ્રકારના દબાણો ન થાય તે માટે જિલ્લા કલેકટરોએ તેની સમીક્ષા દર મહિને કરીને રજિસ્ટરમાં તેની નોંધ કરવાની રહેશે. વીડિયોગ્રાફીમાં જો દબાણ હોવાનું માલુમ પડશે તો સંબંધિત અધિકારીઓને જવાબદાર ગણી તેની સામે પગલાં લેવા અને દબાણગ્રસ્ત જમીન ખુલ્લી કરાવી ભવિષ્યમાં દબાણ ન થાય તે માટે વાયર ફેન્સિંગ કરાવી લેવા પણ સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત ખુલ્લી જમીનોના સર્વે નંબર મુજબ જે તે મહેસુલી અધિકારીઓને તેની જવાબદારી સોંપવામાં આવશે અને આવી જમીનમાં જો દબાણ થશે તો તેની વ્યકિતગત જવાબદારી ગણીને ખાતાકિય કાર્યવાહી કરવામાં આવશે. ખુલ્લી જમીન પર દબાણ થયું હશે તો તેવા કિસ્સામાં સંબંધિત સર્કલ ઈન્સપેકટર અને મામલતદાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. સરકારી જમીન પર ખુલ્લેઆમ દબાણો થઈ રહ્યા છે અને થોડા સમય પહેલાં રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેકટરો પાસેથી સરકારી જમીનમાં થયેલા દબાણોની વિગતો માગી હતી. હવે આવા કેસો ચકાસીને દરેક જિલ્લા કલેકટરોને લેન્ડગ્રેબિંગ એકટ નીચે કાર્યવાહી કરવા અને દબાણો ખુલ્લા કરવા સૂચના આપી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે રાજ્યમાં મોટાભાગની સરકારી જમીનોમાં વ્યાપક પ્રમાણમાં કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ દબાણો થઈ ગયા છે. આવા કિસ્સામાં સખ્ત વલણ અખત્યાર કરવા રાજ્યય સરકારે તમામ જિલ્લા કલેકટરોને સૂચના આપી છે અને આવા કિસ્સામાં દબાણકર્તાઓના લાઈટ, પાણી અને ગટરના જોડાણો કાપી નાખવા માટે પણ સ્થાનિક ઓથોરિટી સાથે રહીને કાર્યવાહી કરવા કલેકટરને મહેસુલ વિભાગ દ્રારા સૂચના આપવામાં આવી છે.