મુંબઈ:ઓલિમ્પિક ગોલ્ડન બોય જેવલિન થ્રો પ્લેયર નીરજ ચોપડાએ અમેરિકાના યુજીનમાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ધમાલ મચાવી દીધી છે. તે આ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રથમ વખત ક્વોલિફાય થયો છે.
ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજે તેના પ્રથમ પ્રયાસમાં 88.39 મીટરની બરછી ફેંકીને પુરૂષોની સ્પર્ધાની ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.24 વર્ષના નીરજ ચોપડાની સાથે આ ચેમ્પિયનશિપમાં દુનિયાભરના 34 ભાલા ફેંકનારાઓ પણ સામેલ થયા હતા.
આ બધા વચ્ચે ફાઈનલ માટે જંગ જામ્યો હતો. બધાને બે જૂથમાં મૂકવામાં આવ્યા હતા, જેમાંથી ગ્રૂપ Aમાં રહેલા નીરજ તેની કારકિર્દીના ત્રીજા શ્રેષ્ઠ થ્રો સાથે ફાઇનલમાં ક્વોલિફાય થયો હતો. નીરજ ઉપરાંત ભારતીય એથ્લેટ રોહિત યાદવ પણ ગ્રુપ બીમાં ભાગ લેતો જોવા મળશે.
આ મેન્સ ઈવેન્ટના 34 ભાલા ફેંકનારાઓમાંથી, નીરજ ચોપડા સહિત ટોપ-12 સ્ટાર ખેલાડીઓ ક્વોલિફાય થયા હતા. હવે 23 જુલાઈ ના રોજ શનિવારે ચેમ્પિયનશિપમાં ગોલ્ડ માટે આ 12 ખેલાડીઓ વચ્ચે જંગ ખેલાશે.નીરજની સાથે ચેક રિપબ્લિકના જેકબ વાડલેજ પણ પ્રથમ પ્રયાસમાં 85.23 મીટર દૂર બરછી ફેંકીને ફાઇનલમાં ક્વોલિફાય થયા હતા.
નીરજ ચોપડાએ આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, જે અત્યાર સુધી ચાલુ છે. આ સ્ટાર ખેલાડીએ બે વખત પોતાના વ્યક્તિગત સર્વશ્રેષ્ઠમાં સુધારો કર્યો છે. તેણે 14 જૂને ફિનલેન્ડમાં પાવો નુર્મી ગેમ્સમાં 89.30m અને 30 જૂનના રોજ પ્રતિષ્ઠિત સ્ટોકહોમ ડાયમંડ લીગ ઈવેન્ટમાં 89.94m થ્રો કર્યો, તે માત્ર છ સેન્ટિમીટરથી 90mના અંતરથી ચૂકી ગયો. નીરજ ચોપડા તાજેતરમાં જ ડાયમંડ લીગમાં ગ્રેનાડાના વર્લ્ડ ચેમ્પિયનશિપ એન્ડરસન પીટર્સ પછી બીજા ક્રમે રહ્યો હતો. પીટર્સે 90.31 મીટરના પ્રયાસ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.