ડીસામાં ઠેર-ઠેર ગંદા પાણીનો ભરાવો અને ગંદકી થતાં આરોગ્ય વિભાગે પાલિકાને નોટિસ ફટકારી
ડીસાઃ શહેરમાં ચોમાસાની સીઝનમાં ઠેર-ઠેર વરસાદી પાણીનો ભરાવો થવાથી પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. અગાઉ ભરાયેલા ગંદા પાણીનો નિકાલ કરવા અને ગટરોની સફાઈ કરાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા નગરપાલિકાને નોટિસ ફટકારી હતી. નગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરીને પ્રિમોન્સુન પ્લાનિંગ અંતર્ગત ગટરો સહિત વરસાદી પાણીના નિકાલ માટે કામગીરી કરવામાં આવે છે પરતું સામાન્ય વરસાદમાં જ પાણીનો નિકાલ ન થતાં ડીસા શહેરના ઠેર-ઠેર વિસ્તારોમાં વરસાદી પાણીના તળાવ ભરાયેલા જોવા મળી રહ્યાં છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ડીસા શહેરમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં પાણીમાંથી અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે તેમજ મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે. ડીસા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરના જુદાજુદા વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. જેમાં 10 થી વધુ સ્થળો પર પાણી ભરાયેલા અને ગટરોમાં કાદવ, કીચડથી પાણી ન વહી શકતાં ગટરો પણ ઓવરફલો થઈ રહી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આથી અર્બન હેલ્થ ઓફીસર ડીસા દ્વારા નગરપાલિકાને નોટિસ ફટકારી પાણીનો નિકાલ કરી સાફસફાઈ કરાવવા તાકીદ કરવામાં આવી છે.
ડીસાના ઈન્દિરાનગર પ્રાથમિક શાળા પાસે, તેરમીનાળા અને શાસ્ત્રીનગરની આંગણવાડી કેન્દ્રની બાજુમાં ગટર લાઈનનો ભરાવો અને કચરાના ઢગલા,એસસીડબલ્યુ હાઈસ્કૂલ ચાર રસ્તા પાસે,હિંગળાજ ફલેટ પાછળના ભાગમાં, પિંકસીટી સોસાયટીમાં, વાલ્મિકીનગરની આંગણવાડી કેન્દ્ર આગળની ખુલ્લી ગટરમાં પાણીનો ભરાવો થયો છે, તેમજ ઝવેરીનગર આંગણવાડી કેન્દ્રથી સ્મશાન રોડ ઉપર વરસાદી પાણી ભરાયેલા છે