અમદાવાદઃ રાજ્યમાં શનિવારે દિવસ દરમિયાન 159 તાલુકામાં વરસાદના સામાન્યથી ભારે વરસાદ પડ્યો હતો જેમાં કચ્છના રાપરમાં ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં પણ શનિવારે સમીસાંજ બાદ ફરીવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. વરસાદને કારણે ઘણાબધા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
ગુજરાતમાં ફરી આગાહી અનુસાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં શનિવારે સાંજે ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું. હાટકેશ્વર ભારે વરસાદને પગલે પાણી ભરાયા હતા. આ ઉપરાંત શહેરના પ્રહલાદનગર, મકરબા, વેજલપુર, બોડકદેવ, હાટકેશ્વર, ઈસનપુર, આંબાવાડી, નવરંગપુરા, બાપુનગર, નરોડા, અમરાઈવાડી, સરસપુર, કાલુપુર, ચાંદખેડા, ચાંદલોડિયા, નારાણપુરા, મણીનગર સહિતના વિસ્તારોમાં વરસાદ ધોધમાર વરસાદ પડ્યો હતો. આજથી ત્રણ દિવસ દરમિયાન અમદાવાદ અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે, જેમાં પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં રવિવારે પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે.
શહેરમાં શનિવારે સમીસાંદ બાદ પડેલા વરસાદને કારણે પૂર્વ વિસ્તારમાં એક કલાકમાં ખોખરા, અને હાટકેશ્વર બેટમાં ફેરવાયું હોય તેવા દૃશ્યો સર્જાયા હતો. અમદાવાદમાં માત્ર 45 મિનિટમાં પડેલા વરસાદના કારણે લોકોના ઘરો અને ચોકમાં પાણી ફરી વળ્યા છે. હાટકેશ્વરથી સીટીએમ રોડ પર પણ પાણી ભરાયા હતા. ગુજરાત હાઉસિંગ બોર્ડના વિવિધ બ્લોકમાં લોકોના ઘરો અને ચોકમાં પાણી પહોંચ્યા છે. પૂર્વના અમરાઈવાડીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ખોખરામાં પણ પાણી ભરાયા છે. કેનાલ નજીક નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ભરાયા હોવાની માહિતી સાંપડી રહી છે.
રાજ્યમાં શનિવારે દિવસ દરમિયાન 159 તાલુકામાં વરસાદના ઙળવાથી ભારે ઝાપટાં પડ્યા હતા. જેમાં કચ્છના રાપરમાં ચાર ઈંચ, વલસાડના વાપીમાં સાડા ત્રણ ઈંચ, કપરાડામાં ત્રણ ઈંચ, અને લખતરમાં બં ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. ભિલોડામાં પણ 1 કલાક માં બે ઇંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે ભિલોડાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ ગોવિંદનગર વિસ્તારમાં આવેલ ચામઠા વાસની વસાહતોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા.