અમદાવાદ:ગૃહમંત્રી અમિત શાહે રૂ.210 કરોડની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કર્યો
અમદાવાદ:કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે ગુજરાતના અમદાવાદમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ અંતર્ગત અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) દ્વારા આશરે રૂ. 210 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. અમિત શાહે ઔડા દ્વારા નિર્મિત પાણી પુરવઠા યોજના અને એફોર્ડેબલ આવાસનું ઉદઘાટન કરવાની સાથે સાથે મિશન મિલિયન ટ્રી અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો.સ્વામીનારાયણ સંસ્થાના પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવના શુભારંભ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીએ કળશ સ્થાપના સમારોહમાં પણ હાજરી આપી હતી.
અમિત શાહે પોતાનાં સંબોધનમાં જણાવ્યું હતું કે,આજે 200 કરોડ રૂપિયાથી વધુનાં વિકાસ કામોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરવામાં આવ્યું છે.જેમાં વૃક્ષારોપણ, આવાસ, પીવાના પાણીની પ્રાપ્યતા અને અન્ય અનેક પ્રકારનાં કામો ગાંધીનગર લોકસભાના વિવિધ વિસ્તારોમાં હાથ શરૂ કરવામાં આવ્યાં છે. આ પરંપરા ગુજરાતમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ શરૂ કરી છે. હમણાં 77 કરોડ રૂપિયાના ખર્ચે નર્મદાનું પાણી બોપલ અને ઘુમાનાં દરેક ઘર સુધી પહોંચે, એ યોજનાનું લોકાર્પણ થયું. દોઢ વર્ષ પહેલાં મેં આ યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું અને આજે પીવાનું પાણી 13,000 લોકોનાં ઘરે પહોંચી ગયું છે, ઝડપથી કામ કરવાનું આ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. અમદાવાદમાં પાણીની યોજનાઓ હતી પરંતુ ૧૧ જુદી જુદી નગરપાલિકાઓ અને અનેક ગામો બોરવેલમાંથી પાણી ખેંચતાં હતાં અને તે જ પાણી લોકોને પીવા માટે મળતું હતું. પરંતુ જ્યારે નરેન્દ્ર મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમના દ્વારા સમગ્ર ઔડા વિસ્તારમાં શુદ્ધ નર્મદાનું પાણી મળવાનું શરૂ થયું. જાસપુરમાં વિશ્વનો અત્યાધુનિક જળશુદ્ધિકરણ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો હતો અને આજે બોપલ અને ઘુમા પણ તે કડીમાં જોડાઈ ગયાં છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે,નરેન્દ્ર મોદીજીએ ગુજરાતના વિકાસને અનેક આયામોમાં ગતિશીલતા આપવાનું કામ કર્યું છે. પહાડો, જંગલોમાં રહેતાં જન જાતીય ભાઈ-બહેનો હોય, દરિયા કિનારે રહેતાં માછીમાર ભાઈ-બહેનો હોય, ગ્રામીણ હોય કે શહેરી વિકાસ હોય, ઔદ્યોગિક મૂડી લાવવાની હોય, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવાનું હોય, રસ્તાઓ અને ફ્લાયઓવરનું નેટવર્ક વણી લેવાનું હોય, મેટ્રો રેલ લાવવી, પર્યાવરણ મિત્ર બસો લાવવાની હોય, દરેક ક્ષેત્રમાં નરેન્દ્ર મોદીજીએ ગુજરાતને દેશમાં પ્રથમ સ્થાન પર લાવવાનું કામ કર્યું છે.
શાહે કહ્યું કે મોદીજીએ એવી વ્યવસ્થા પણ બનાવી કે તેમના પછીના કાર્યકાળમાં પણ વર્ષો સુધી વિકાસની આ પરંપરા ચાલુ રહે. 2014માં મોદીજી દેશના વડાપ્રધાન બન્યા અને ત્યારથી જે પણ મુખ્યમંત્રી બન્યા, ગુજરાતમાં વિકાસ થતો રહ્યો છે.
અમિત શાહે કહ્યું હતું કે, હમણાં જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ એક કાર્યક્રમ શરૂ કર્યો છે, 13થી 15 ઑગસ્ટ એમ ત્રણ દિવસ માટે દરેક નાગરિકે પોતાનાં ઘર, દુકાન કે કારખાનામાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો છે. આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન ફરી એક વખત દેશનાં બાળકો, તરુણો અને યુવાનોમાં દેશપ્રેમ જાગૃત કરવા માટે આ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. 75 વર્ષ સુધી દેશે મેળવેલી ઉપલબ્ધિઓ વિશે લોકોને જાગૃત કરવા અને માહિતગાર કરવાનું કામ થઈ રહ્યું છે. આ ઉપરાંત આ તે સંકલ્પને પૂરો કરવાનો પણ કાર્યક્રમ છે, જ્યાં આપણે 75થી 100 વર્ષ સુધીનાં 25 વર્ષમાં દેશને જ્યાં લઈ જવાનો સંકલ્પ કર્યો છે. આઝાદી અપાવનારા અનેક જાણીતા-અપ્રસિદ્ધ સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપવાનો આ કાર્યક્રમ છે. આ કાર્યક્રમ દરમિયાન દરેક જગ્યાએ રાષ્ટ્રધ્વજ ઉપલબ્ધ થશે. પોસ્ટ ઓફિસ, સહકારી મંડળીઓ, રાજ્ય સરકાર, મહાનગરપાલિકાઓ પણ ધ્વજ આપશે. ઘણી ઈ-કોમર્સ વેબસાઈટ પર પણ ધ્વજ મળશે. આપણે બધા આપણાં ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવીએ અને તેની સેલ્ફી ભારત સરકારની વેબસાઇટ પર જરૂરથી પહોંચાડીએ. ત્રણ દિવસની અંદર દેશનાં દરેક ઘર પર 20 કરોડ રાષ્ટ્રધ્વજ ફરકાવીને ને આખી દુનિયામાં એ સંકલ્પ પહોંચાડવાનો છે કે આઝાદીની શતાબ્દી સમયે ભારત વિશ્વમાં દરેક ક્ષેત્રમાં પ્રથમ સ્થાને હશે. હું ગાંધીનગર વિસ્તારના તમામ નાગરિકોને અપીલ કરવા માગું છું કે આપ સૌ પણ 13, 14 અને 15 ઑગસ્ટના રોજ પોતાના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવો.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું કે આજે બોપલ-ઘુમા વિસ્તાર માટે 77 કરોડ રૂપિયાની પીવાના પાણીની યોજના શરૂ કરવામાં આવી છે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બોપલમાં ઔડા દ્વારા 8 કરોડ રૂપિયાના ખર્ચે 70 પરિવારોને ઘર આપવામાં આવ્યાં છે, 10 કરોડ રૂપિયાના ખર્ચે 10 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
શાહે કહ્યું હતું કે, આજે રૂ. 78 કરોડના ખર્ચે સરદાર પટેલ રિંગ રોડ, કમોડ જંકશન ખાતે ફ્લાયઓવરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, 3 કરોડ રૂપિયાના ખર્ચે કલોલમાં કપિલેશ્વર તળાવનું નવીનીકરણ અને હરિયાળું બનાવવાની શરૂઆત થઇ. મણિપુર-ગોંધાવી ટીટી યોજનામાં 45 મીટરની નહેર પર બ્રિજ બનાવવાની રૂ. 13 કરોડની યોજનાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે અને બોરિયા ગામમાં પમ્પિંગ સ્ટેશનનું પણ ઉદ્ઘાટન થયું છે. આજે અહીં કુલ રૂ. 211 કરોડના ખર્ચે વિવિધ 11 યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. વિકાસનાં અનેક કામોની સાથે સાથે અમદાવાદ રેલવે સ્ટેશનને પણ ભવ્ય બનાવવાની શરૂઆત થઈ. તેની સાથે જ સાબરમતી રેલવે સ્ટેશનને પણ ભવ્ય બનાવવાનું છે. વિશ્વની પ્રથમ નેનો યુરિયા ફેક્ટરી ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં છે અને દેશનાં આદર્શ ગામોમાં 1થી 5 સ્થાનોમાંથી ત્રણ ગામ ગાંધીનગરનાં છે. સમગ્ર ગાંધીનગર વિસ્તારમાં આ વર્ષે ડિસેમ્બર સુધીમાં ‘હર ઘર નલ સે જલ’ યોજના પૂર્ણ થવા જઈ રહી છે અને દરેક ગરીબને પ્રધાનમંત્રી આયુષ્માન સ્વાસ્થ્ય યોજના કાર્ડ આપવાનું કામ પણ ડિસેમ્બર પહેલા પૂર્ણ થઈ જશે. અમદાવાદ શહેર અને ઔડા વિસ્તારનાં ૧૪ તળાવોને રૂ.૧૦૦ કરોડથી વધુના ખર્ચે જોડીને પર્યટન કેન્દ્ર બનાવવાની શરૂઆત આજની બેઠકમાં થશે. ગુજરાત સરકાર અને ભારત સરકારના પ્રયાસોથી ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં વિકાસનાં ઘણાં કામો થઈ રહ્યાં છે અને હું ફરી એકવાર ગાંધીનગર લોકસભા મત વિસ્તારના તમામ નાગરિકોને કહેવા માગું છું કે 2024 પહેલા આપણા લોકસભા મતવિસ્તારનો સમાવેશ દેશના સૌથી વિકસિત લોકસભા મતવિસ્તારોમાં થઈ જશે.