છોટાઉદેપુરના ભાજપના જિલ્લા પ્રમુખનો લથડિયા ખાતો વિડિયો વાયરલ થતાં રાજીનામું લોવાયું
છોટાઉદેપુરઃ જિલ્લાના ઝોઝ ગામમાં શનિવારે રાષ્ટ્રપતિના અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવાએ ચિક્કાર દારૂના નશામાં આરોગ્ય રાજ્ય મંત્રી નિમિષાબેન સુથાર હાજર હોવા છતાં તેમને અશોભનિય વર્તન કર્યું હતું. એટલું જ નહીં, જાહેરમાં લથડિયા ખાતા જોવા મળ્યા હતા. અને રશ્મિકાંત વસાવાનો રાજાપાઠમાં લથડિયા ખાતો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં ભાજપના પ્રદેશ કમાન્ડે તેની ગંભીર નોંધ લીધી હતી. અને આખરે જિલ્લા ભાજપ પ્રમુખનું રાજીનામું લઈ લેવાયું હતું. સાશ્યલ મિડિયામાં વીડિયો વાયરલ થયા બાદ છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવા વિરુદ્ધ પ્રદેશ ભાજપે સૌથી મોટી કાર્યવાહી કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ છોટાઉદેપુર જિલ્લાના ઝોઝ ગામમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવાએ દારૂના નશામાં આરોગ્ય રાજ્ય મંત્રી નિમિષાબેન સુથારની ચાર વાર પીઠ થબથબાવીને અશોભનીય વર્તન કર્યું હતું અને જાહેરમાં લથડિયા ખાતા જોવા મળ્યા હતા. રવિવારે ઘટનાના એક દિવસ બાદ રશ્મિકાંત વસાવા પાસે રાજીનામું લઈ લેવામાં આવ્યું છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવાનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓ રાષ્ટ્રપતિના અભિવાદન કાર્યક્રમમાં નશો કરેલી હાલતમાં લથડિયા ખાતા જોવા મળી રહ્યા હતા. છોટા ઉદેપુર જિલ્લામાં રાષ્ટ્રપતિના અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો, ત્યારે સ્ટેજ પર હાજર તમામ નેતાઓની હાજરી વચ્ચે છોટા ઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવાના દ્રશ્યોએ વિવાદોનું વંટોળ ઉભું કર્યું હતું. આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી હાજર હતા, તે સમયે જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવા સ્ટેજ પર બેઠા હતા અને તેઓ નશો કરેલી હાલતમાં હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને જેના કારણે તે લથડિયા ખાતા હોય તેવું વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે. ત્યારે આ વાતનો ખુલાસો જ્યારે ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવા પાસે માંગ્યો તો એમને નકારી દીધો હતો. રશ્મિકાંત વસાવાએ લથડિયા ખાવા પાછળ એક તર્કપૂર્વકનો જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, મને પગમાં સમસ્યા હતી, જેણા કારણે મને તકલીફ થતી હતી. પરંતુ કાર્યક્રમ સ્થળના દ્રશ્યો હકીકત કંઈક અલગ બતાવી રહ્યા હતા.