અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનના 75 કિ.મીનું પિયર વર્કનું કામ પૂર્ણ થયુઃ રેલવે મંત્રાલય
અમદાવાદઃ મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેનનું કામ રોકેટગતિએ આગળ વધી રહ્યું છે. રેલ્વે મંત્રાલયે તાજેતરમાં રાજ્યસભામાં માહિતી આપી હતી કે, મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ માટે જરૂરી કુલ 1396 હેક્ટર જમીનમાંથી લગભગ 90 ટકા જમીનનું સંપાદન પૂર્ણ થઈ ગયું છે. રાજ્યસભાના સાંસદ બ્રિજલાલના પ્રશ્નના જવાબમાં રેલ્વેએ માહિતી આપી હતી કે “ગુજરાતમાં 86 કિમી ફાઉન્ડેશન વર્ક અને 75 કિમી માટે પિયર વર્ક પૂર્ણ થયું છે, ગુજરાત અને દાદરા અને નગર હવેલીમાં સ્થિત પ્રોજેક્ટની કુલ 352 કિમીના કામમાં સિવિલ વર્ક ડિસેમ્બર 2020 થી વિવિધ તબક્કામાં શરૂ થઈ ગયા છે.
અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ઝડપભેર આગળ વધારવામાં આવી રહ્યું છે. હવે તો માહારાષ્ટ્રમાં રાજકીય પરિવર્તન આવ્યા બાદ બુલેટ ટ્રેનના માર્ગની અડચણો પણ દુર થઈ ગઈ છે. દરમિયાન કેન્દ્રના રેલ મંત્રાલયે જણાવ્યું હતું કે, અન્ય સાત હાઇ-સ્પીડ રેલ કોરિડોર માટે સર્વેક્ષણ અને વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) ની તૈયારી પ્રગતિમાં છે. આ ઉપરાંત આ અન્ય સાત કોરિડોર છે (i) દિલ્હી-વારાણસી (ii) દિલ્હી-અમદાવાદ (iii) મુંબઈ-નાગપુર (iv) મુંબઈ- હૈદરાબાદ (v) ચેન્નાઈ-બેંગલુરુ-મૈસુર (vi) દિલ્હી-ચંદીગઢ-અમૃતસર (vii) વારાણસી- હાવડાનો સમાવેશ થાય છે. જેમાં અમદાવાદ-મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનું કામ નિર્ધારિત સમયમાં પૂર્ણ કરાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ-મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ગુજરાત વિભાગમાં 75 KM પિયરનું કામ પૂર્ણ કરાયું છે. ઉપરાંત 156 KMનું પાઈલીંગ કામ પૂર્ણ કરાયું છે. તેમજ તમામ 8 સ્ટેશનો પર કામ પૂર્ણ થવાના વિવિધ તબક્કાઓ હેઠળ છે. અને 352 KMના વિભાગ માટે 100 ટકા સિવિલ અને ટ્રેક કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, NHSRCLદ્વારા C1 પેકેજ હેઠળ મુંબઈ ખાતે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ હાઇ સ્પીડ રેલ સ્ટેશનની ડિઝાઇન અને બાંધકામ માટે બિડ મંગાવવામાં આવી છે. જે મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પર તે એકમાત્ર અંડરગ્રાઉન્ડ સ્ટેશન હશે. BKC સ્ટેશન ઉપરાંત, C1 પેકેજ ટેન્ડરમાં 467 મીટરની કટ અને કવર લંબાઈ અને 66 મીટરની વેન્ટિલેશન શાફ્ટનો પણ સમાવેશ થાય છે. આ શાફ્ટનો ઉપયોગ ટનલ બોરિંગ મશીન (રિકવરી શાફ્ટ)ને બહાર કાઢવા માટે પણ કરવામાં આવશે. સ્ટેશનમાં 6 પ્લેટફોર્મ હશે અને દરેક પ્લેટફોર્મની લંબાઈ લગભગ 415 મીટર કોચની બુલેટ ટ્રેનને સમાવવા માટે પૂરતી હશે. સ્ટેશનને મેટ્રો અને રોડ દ્વારા જોડવામાં આવશે. બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ HSR સ્ટેશન એ મુંબઈ અમદાવાદ HSR કોરિડોર પરનું એકમાત્ર ભૂગર્ભ સ્ટેશન છે. આ પ્લેટફોર્મ ગ્રાઉન્ડ લેવલથી લગભગ 24 મીટરની ઉંડાઈએ બનાવવાની યોજના છે.