બોટાદઃ જિલ્લાના બરવાળા (ઘેલાશા) પંથકમાં લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધતો જાય છે. ઝેરી કૅમિકલ પીવાથી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક ચિંતાજનક રીતે વધ્યો હતો. બરવાળા તાલુકાના રોજિદ ગામમાં જ 12 જણાં મૃત્યુ પામ્યા હતા જ્યારે રાણપુર તાલુકાના 8 લોકો નશો કરવા જતાં મૃત્યુના મુખમાં ધકેલાયા હતા. લઠ્ઠાકાંડના મૃતકોમાં 2 મહિલાનો પણ સમાવેશ થાય છે. આ બનાવ અંગે સુભાષકુમાર ત્રિવેદી નેતૃત્વમાં SIT ની રચના કરવામાં આવી છે. ઝેરી દારુના કારણે 48 કલાકમાં 57 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બીજીતરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જણાવ્યું કે, હજુ 97 લોકો સારવાર હેઠળ છે. બરવાળા કેમિકલ કાંડના મુખ્ય આરોપી ગજુબેન વડોદરિયા અને પિન્ટુ ગોરહવાને બરવાળા કોર્ટમાં રજૂ કરાયા હતા. પોલીસે બંને આરોપીના 10 દિવસના રિમાંડની માગણી કરી હતી જેકે કોર્ટે 6 દિવસના રિમાંડ મંજૂર કર્યા છે.
આ મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે આક્ષેપ કર્યો હતો કે, ભાજપ સંગઠનના લોકો જ દરેક વિસ્તારમાં દારૂ માટે એક હોલસેલર નક્કી કરે છે. પેજ સમિતિ લિસ્ટ બનાવે છે કે, કોને ત્યાં કેટલો દારૂ પહોંચવાનો છે તેનું પણ નેટવર્ક ઊભું કરાયું છે. સંગઠનના લોકો પ્લાનિંગ કરે છે. ડ્રગ્સ, દારુ, ગાંજાનું નેટવર્ક ઘણાં વર્ષોથી ચલાવવા માટે સરકારના આશીર્વાદ મળે છે. જવાબદારી ધરાવતાં પદવાળા લોકો જ આ કરે છે. ગૃહ મંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે તેવી અમારી માગ છે અને મૃતક પરિવારને સહાય મળે તેવી માગ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ બોટાદ પોલીસ બરવાળાના દેવગણા ગામે પહોંચી હતી. જ્યાં કનુભાઇ નામના એક વ્યક્તિનું ઝેરી દારૂ પીધા બાદ મોત થયું છે. બોટાદ પોલીસે મૃતકના 4 બાળકોને દત્તક લીધા છે. બાળકોની અભ્યાસ સહિતની જવાબદારીઓ પોલીસ સંભાળશે. પોલીસ દ્વારા ગામ લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી છે. ભાજપ નેતા અલ્પેશ ઠાકોર પણ રોજિદ ગામે પીડિત પરિવારોને સાંત્વના આપવા પહોંચ્યા હતા. લઠ્ઠાકાંડના પીડિત પરિવારોએ પોતાનો સહારો ગુમાવ્યો છે. અલ્પેશ ઠાકોરે મૃતકોના પરિવારજનો સાથે વાતચીત કરી હતી. દરમિયાન લઠ્ઠાકાંડના વિરુદ્ધ ‘આપ’ નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા બોટાદ ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેમા ગોપાલ ઈટાલિયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ગોપાલ ઈટાલિયાએ બરવાળા તાલુકાના રોજિદ ગામમાં લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામનારા વ્યક્તિના પરિવારના ઘરે જઈ શ્રદ્ધાંજલિ અર્પી તેમજ મૃતકના સ્વજનોને સંવેદના વ્યક્ત કરીને અરવિંદ કેજરીવાલ વતી સાંત્વના પાઠવી હતી.
બોટાદ એસપી ડો. કરણરાજ વાઘેલાએ કહ્યું, બોટાદનાં બરવાળા અને રાણપુરમાં પોલીસની તમામ ટિમો આખી રાત કામમાં લાગી હતી. વહેલી સવારથી પણ અલગ અલગ ટિમો કામ કરી રહી છે. પાંચ ટિમો બરવાળા અને ચાર ટિમો રાણપુરમાં કાર્યરત છે. જે લોકોને વોમિટિંગ, અંધારા આવતા હોય ચક્કર આવતા હોય એ લોકો પોલીસને જાણ કરે. પોલીસે તમામ ગામડાઓની બહાર એમ્બ્યુલન્સ મૂકી છે. સીએચસી સેન્ટર પર એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય છે. કોઈ પણ વ્યક્તિ બે ત્રણ દિવસથી નોકરી કે કામે ન આવતા હોય તો પોલીસનો સંપર્ક કરે. હજુય કોઈને લક્ષણ દેખાય તો સામે આવે અમે સારવાર કરાવીશું.