અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધા બાદ ફરીવાર વરસાદી વાતાવરણ સર્જાયુ છે. હવામાન વિભાગે આજે 2જી ઓગસ્ટને મંગળવારથી અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરી છે. જેમાં 10મી ઓગસ્ટ સુધી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં સમયાંતરે વરસાદ પડશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં ઘણી જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે જેમાં કેટલાક છૂટા છવાયા વિસ્તારોમાં ભારે ઝાપટાં પણ પડી શકે છે. મંગળવારે અમદાવાદ અને ગાંધીનગર સહિત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં વરસાદ થવાની સંભાવના છે. તેમજ આગામી દિવસોમાં રાજ્યભરમાં હળવો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે દક્ષિણ ગુજરાતમાં 10મી ઓગસ્ટ આસપાસ ભારે વરસાદ પડી શકે તેમ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 70 ટકા જેટલો વરસાદ પડી ચુક્યો છે. જેમાં
જુલાઈ મહિનામાં સારો વરસાદ થયો હતો જેના લીધી રાજ્યમાં નદીઓ સહિત અન્ય જળાશયોમાં પાણીની સારી આવક થઈ છે. બીજા રાઉન્ડમાં મેઘરાજાએ કરેલી ધમાકેદાર બેટિંગના કારણે જુલાઈમાં સરેરાશ વરસાદ કરતા 58 ટકા વધુ વરસાદ નોંધાયો છે. હવામાન શાસ્ત્રીઓના કહેવા મુજબ આગામી 8 ઓગસ્ટથી ચાલુ થતા બીજા અઠવાડિયા દરમિયાન પણ વરસાદ માહોલ યથાવત રહેશે. દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતમાં સારો વરસાદ પડવાની શક્યતા છે.