સુરતમાં પુણા પોલીસ સ્ટેશનના PSI રૂપિયા 1.30 લાખની લાંચ લેતા ACBના હાથે રંગેહાથ ઝડપાયા
સુરત: રાજ્યમાં લાંચ લેવાના બનાવો વધતા જાય છે. સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશનના PSI જયદીપસિંહ રાજપુતને રૂપિયા 1.30 લાખની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી લીધા હતા. એન્ટિ કરપ્શન બ્યુરોએ PSI ઉપરાંત એક વ્યક્તિની પણ ધરપકડ કરી છે. દારૂ પકડવાના કેસમાં આરોપીનું નામ નહીં દર્શાવવા લાંચ માગી હતી. જેમાં PSIએ રૂપિયા 5 લાખની માગણી કરી હતી અને અગાઉ PSIએ રૂપિયા 1 લાખ 70 હજાર લીધા હોવાનો પણ દાવો કરાઈ રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં PSI તરીકે ફરજ બજાવતા જયદીપસિંહ રાજપૂત દારૂ પકડવાના કેસમાં આરોપીનું નામ નહીં દર્શાવવા લાંચ માગતા એન્ટિ કરપ્શન બ્યુરોના હાથે ઝડપાયા હતા. લાંચની રકમ નક્કી થયા બાદ 1.70 લાખ રૂપિયા લઈ લીધા હતા અને વધુ 1.30 લાખ રૂપિયા લેતા પીએસઆઈ ઝડપાઈ ગયા હતા. આ સાથે લાંચની રકમ સ્વીકારનાર એક ખાનગી વ્યક્તિને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો. પુણા પોલીસ સ્ટેશનની સામે જાહેર રોડ પર જ એન્ટિ કરપ્શન બ્યુરોએ છટકું ગોઠવીને રૂપિયા લેવા આવેલા જયદીપસિંહના ખાનગી વ્યક્તિને એન્ટિ કરપ્શન બ્યુરોએ ઝડપી પાડ્યો હતો.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સુરતના પુણા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં લક્ઝરી બસમાંથી દારૂ ઝડપાયો હતો. જેમાં દારૂના કેસમાં લક્ઝરી બસના માલિકનું નામ નહીં લખવા લાંચ માગી હતી. પોલીસકર્મીએ આ કેસમાં નામ નહીં લખવા માટે રૂપિયા 5 લાખની માગણી કરી હતી. આખરે 3 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. ટ્રાવેલ્સના માલિક દ્વારા 1 લાખ 70 હજાર રૂપિયા PSIને પહોંચાડ્યા હતા. આ રૂપિયા PSI જયદીપસિંહ રાજપૂતના ખાનગી વ્યક્તિએ સ્વીકાર્યા હતા. PSI દ્વારા વધુ 1.30 લાખ રૂપિયા માગવામાં આવતા ફરિયાદીએ એન્ટિ કરપ્શન બ્યુરોને જાણ કરી હતી.