નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીની કાર્યવાહી, ઓફિસને સીલ મારીને મંજૂરી વગર નહીં કરવા કર્યો નિર્દેશ
નવી દિલ્હીઃ નેશનલ હેરાલ્ડ કેસ ઈડીએ રાહુલ ગાંધી અને સોનિય ગાંધીની પૂછપરછ બાદ તપાસ વધારે તેજ બનાવી છે. દરમિયાન EDના અધિકારીઓએ નેશનલ હેરાલ્ડ ઓફિસને સીલ કરી હોવાનું જાણવા મળે છે. તેમજ ED અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે એજન્સીની પરવાનગી વિના ઓફિસ ખોલવામાં આવશે નહીં. આ સાથે કોંગ્રેસ મુખ્યાલય પાસે પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા કાર્યવાહી ચાલી રહી છે. EDના અધિકારીઓએ નેશનલ હેરાલ્ડ ઓફિસ સહિત 14 સ્થળો પર દરોડા પાડ્યા હતા. દરમિયાન એજન્સીના અધિકારીઓએ નેશનલ હેરાલ્ડ ઓફિસને સીલ કરી દીધી હતી. તેમજ પરવાનગી વગર ઓફિસ નહીં ખોલવા માટે પણ તાકીદ કરી છે.
સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, EDની નેશનલ હેરાલ્ડ ઓફિસને સીલ કરવાની કાર્યવાહી બાદ સાવચેતીના પગલા તરીકે કોંગ્રેસ મુખ્યાલયમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ સાથે કોંગ્રેસ કાર્યાલયની બહારનો રસ્તો સીલ કરી દેવામાં આવ્યો છે. પોલીસને આશંકા છે કે ઓફિસ સીલ કર્યા બાદ કોંગ્રેસના નેતાઓ રોડ પર વિરોધ પ્રદર્શન કરી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નેશનલ હેરાલ્ડ કેસમાં તપાસનીશ એજન્સીએ પહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની લંબાણપૂર્વકની પૂછપરછ કરી હતી. ત્યાર બાદ તાજેતરમાં જ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિય ગાંધીની પણ પૂછપરછ કરી હતી. ઈડી દ્વારા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષા સોનિય ગાંધી અને રાહુલ ગાંધીની કરેલી પૂછપરછના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરોએ દેખાવો કર્યાં હતા. તેમજ પોતાની નારાજગી વ્યક્ત કરીને સત્તાધારી ભાજપ ઉપર ગંભીર આક્ષેપ કર્યાં હતા.
(PHOTO-FILE)