1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરાના સંગ્રહાલયમાં આઝાદીની લડતમાં ઉપયોગમાં લેવાયેલા 12 ધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યાં
વડોદરાના સંગ્રહાલયમાં આઝાદીની લડતમાં ઉપયોગમાં લેવાયેલા 12 ધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યાં

વડોદરાના સંગ્રહાલયમાં આઝાદીની લડતમાં ઉપયોગમાં લેવાયેલા 12 ધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યાં

0
Social Share

અમદાવાદઃ સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમજ હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે વડોદરાના સંગ્રહાલયમાં આઝાદીના લડતકાળ દરમિયાન વિવિધ તબક્કે પ્રસિદ્ધ કરાયેલા ધ્વજ રાખવામાં આવ્યાં છે. અહીં રાષ્ટ્રધ્વજ સહિત કુલ 12 ધ્વજ છે. જે આઝાદીના લડતકાળ દરમિયાન વિવિધ તબક્કે પ્રસિદ્ધ હોય એ તમામ પ્રકારો અહીં પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

સંગ્રહાલય એ એવું સ્થાન છે, જ્યાં તમને પુરાતત્વીય અને ઐતિહાસિક બાબતો વિશે જાણવા તો મળે જ છે. સાથે, એ સંગ્રહાલય મુલાકાતીઓને ઇતિહાસબોધ પણ આપે છે. ગુજરાતનું સૌથી મોટું વડોદરા મ્યુઝિયમ હર ઘર તિરંગા અભિયાન સમયે પણ આ રાષ્ટ્રીય પ્રતીક વિશે અથઃથી ઇતિ સુધીના ઇતિહાસ સાથે માહિતી આપી રહ્યું છે.બાળ દિર્ઘામાં પ્રદર્શિત 62 વર્ષ જૂના આ તિરંગા હાલમાં મુલાકાતીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

વડોદરા મ્યુઝિયમ પોતે એ  ઐતિહાસિક છે. વડોદરાના તત્કાલીન રાજવી સર સયાજીરાવ ગાયકવાડે વિશ્વામિત્રી નદી નજીક  113 એકરના કમાટી બાગમાં જે હવે સયાજીબાગ તરીકે ઓળખાય છે,તેમાં વર્ષ 1894માં મ્યુઝિયમ બંધાવ્યું હતું. તેનું સ્થાપત્ય કાર્ય જાણીતા અંગ્રેજ આર્કિટેક્ટ આર. એફ. ચિશોલ્મે કર્યું હતું. મ્યુઝિયમનું તે સમયે એ પ્રકારે બાંધકામ કરવામાં આવ્યું હતું કે, સૂર્યપ્રકાશનો પૂર્ણ ઉપયોગ કરી ઇલેક્ટ્રીસિટી વિના પણ જોઇ શકાય. હાલમાં પણ આ મ્યુઝિયમ મુલાકાતીઓને આકર્ષી રહ્યું છે.

ગુજરાતનું સૌથી મોટું મ્યુઝિયમ એટલા માટે છે કે, અહીં આવેલા 27 ગેલેરીમાં 72494 નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ આર્ટિફેક્ટ્સ પૂરાત્વ, જીવો અને સહજીવન, સાંસ્કૃતિક અને વિજ્ઞાનના બાબતને લગતા મહત્તમ છે. મજ્જાના વાત તો એ છે કે, જે પ્રદર્શિત નથી કરાયા એવા નમૂનાઓની સંખ્યા એક લાખ કરતા વધુ છે. ચાલુ વર્ષમાં ગત્ત જુન સુધીમાં 52 હજાર જિજ્ઞાસુઓએ આ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. તેનો મતલબ કે પ્રતિમાસ સરેરાશ 8500 કરતા વધુ લોકો મ્યુઝિયમની મુલાકાત લે છે.

આ મ્યુઝિયમમાં 62 વર્ષ જૂના તિરંગાઓ રાખવામાં આવ્યા છે. જે તિરંગાની રાષ્ટ્રધ્વજ બનવાની તવારીખ બને છે. વંદે માતરમ્, રેટિયા, અર્ધચંદ્રમા અને તારકવાળા ખાદીના તિરંગા પ્રદર્શિત કરાયા છે. આ મ્યુઝિયમનો હવાલો ગુજરાત સરકારે સંભાળ્યો ત્યારથી આ તિરંગા છે. એક રાષ્ટ્રધ્વજ સહિત કુલ 12 ધ્વજ છે. જે આઝાદીના લડતકાળ દરમિયાન વિવિધ તબક્કે પ્રસિદ્ધ હોય એ તમામ પ્રકારો અહીં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. તેમ ક્યુરેટ વિજય પટેલે જણાવ્યું હતું.

આ તિરંગાઓની મ્યુઝિયમ તંત્ર દ્વારા વિશેષ સંભાળ રાખવામાં આવે છે. તેને ડસ્ટ ના લાગે એ રીતે રાખવામાં આવ્યા છે. ડસ્ટ લાગી હોય તો તુરંત સાફ કરવામાં આવે છે. તિરંગાનો કલર ના ઉડે એટલે તેને માત્ર 50થી 55 લક્સ લાઇટમાં રાખવામાં આવે છે. આકાશ સાફ હોય ત્યારે બહાર પ્રકાશ હોય તે દસ હજાર લક્સ હોય છે. તેના પરથી અંદાજ લગાવી શકાય કે તિરંગાને નજીવા પ્રકાશમાં જ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જીવાત નિયંત્રણ માટે સમયસમયે પગલાં લેવામાં આવે ત્યારે આ તિરંગાનો સારી રીતે સાચવી શકાયા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code