ગુજરાત પોલીસે વિવિધ રાજ્યમાં ડ્રગ્સ પહોંચાડવાનું ષડયંત્ર રચનાર માફિયાઓની સાંકળ તોડીઃ હર્ષ સંઘવી
અમદાવાદઃ સુરત શહેરના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અમરોલી પોલીસ સ્ટેશનથી વિભાજીત કરાયેલા ઉત્રાણ ગામ ખાતેના ઉત્રાણ પોલીસ સ્ટેશનનું કૃષિ, ઉર્જા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. ઉત્રાણ પોલીસ સ્ટેશનથી મોટા વરાછા, ભરથાણા અને ઉત્રાણ વિસ્તારના 3.50 લાખથી વધુ લોકોને ફાયદો થશે.
આ પ્રસંગ્રે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ગુજરાત પોલીસે દેશના અલગ-અલગ રાજ્યોમાં ડ્રગ્સ પહોંચાડવાનું ષડયંત્ર રચનારાઓ ડ્રગ્સ માફિયાઓની સાંકળ તોડી પાડી છે.
હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે, સુરત એ દેશના યુવાનો સહિત લાખો લોકોને રોજગારી પૂરી પાડતું સૌના સપનાનું શહેર બની રહ્યું છે. શહેરીજનોને ઝડપથી ન્યાય મળે અને હસતા મુખે પોલીસ યોગ્ય અને સમાધાનકારી જવાબ મળે એ શ્રેષ્ઠ વ્યવસ્થા છે. ગુજરાત પોલીસના ઝાંબાજ જવાનોના ઓપરેશનથી દેશના જુદા જુદા રાજ્યોમાં ડ્રગ્સ પહોંચાડવાનું ષડયંત્ર રચનાર માફિયાઓની સાંકળ તોડી પાડી છે. પોલીસની વૃત્તિ સામાન્ય જનતાને હેરાન કરવાની ક્યારેય નથી હોતી.
કૃષિ અને ઉર્જા રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, અમરોલી વિસ્તારમાં 10 હજારથી વધુ આવાસો છે. વસ્તીનું પ્રમાણ વધુ હોવાથી અમરોલી પોલીસ સ્ટેશન પર કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારીનું ભારણ વધુ હતું. જેને ધ્યાને લઈ ઉત્રાણ વિસ્તારમાં નવા પોલીસ સ્ટેશનની જરૂરિયાત જણાતા તાત્કાલિક ધોરણે ઉત્રાણ પોલીસ સ્ટેશનને નાગરિકોની સુખાકારી માટે અર્પણ કર્યું છે.