વેરાવળઃ પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે જગવિખ્યાત સોમનાથ મંદિરે શિવ ભક્તોનું ઘોડાપૂર ઊમટી પડ્યું હતું. વહેલી સવારે 4 વાગ્યે મંદિરનાં દ્વાર ખૂલ્યાં ત્યારથી ભાવિકો કતારબંધ લાઈનમાં ઉભા રહી મહાદેવને શીશ ઝુકાવી ધન્યતા પ્રાપ્ત કરી હતી. યાત્રાધામ સોમનાથમાં મોટી સંખ્યામાં ઉમટેલા ભાવિકોના ૐ નમઃ શિવાય… હર હર મહાદેવના નાદથી મંદિર અને પરીસરનું વાતાવરણ શિવમય બન્યાની અનુભુતી ભાવિકોએ કરી હતી. શ્રાવણ માસના બીજા સોમવારને લઈ સોમનાથ મંદિરે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા તહેનાત કરવામાં આવી હતી. મહાદેવજીના દર્શન માટે ભાવિકોમાં મોટી લાઈનો લાગી હતી.
શિવની ભક્તિ માટે અતિઉત્તમ ગણાતા એવા પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે પ્રથમ જ્યોતિલીંગ સોમનાથ મંદિરે સવારે પ્રાત શણગારમાં મહાદેવને મોતીઓથી અલંકૃત શ્વેત પીતાંબર સાથે ગુલાબ, મોગરા, બિલ્વપત્ર, જાસુદ, ડોલર સહિતના પુષ્પહારનો અલૌકિક શણગાર કરવામાં આવેલ હતો. તેમજ પ્રાતઃ મહાપૂજા આરતી કરવામાં આવી હતી. જેના દર્શન કરી શિવ ભક્તો ભાવવિભોર બની ગયા હતા. સવારે 8 વાગ્યે મહાદેવની વિવિધ પૂજાવીધીનો ભાવિકોને હસ્તે પ્રારંભ થયો હતો. સોમવારે સવારે વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્ય, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, ભાજપ પ્રવક્તા ભરતભાઈ ડાંગર સહિતના મહાનુભાવોએ પણ સોમનાથ પહોંચી મહાદેવને શીશ ઝુકાવી પૂજા અર્ચના કરી હતી.
શ્રાવણ માસના બીજા સોમવારે સવારે નવ વાગ્યે સોમનાથ મહાદેવના મુખારવિંદ સાથે મંદિર પરીસરમાં પાલખીયાત્રા નિકળી હતી. જેમાં સ્વયં મહાદેવ પાલખીયાત્રા સ્વરૂપે મંદિર પરિસરમાં નગરચર્યાએ નિકળા હતા. ત્યારે પાલખીયાત્રામાં હર હર મહાદેવ… ૐ નમઃ શિવાય… નાદ સાથે મોટી સંખ્યામાં શિવ ભક્તોએ જોડાઈને પુણ્યનું ભાથું બાંધ્યું હતુ. તેમજ બપોરના સમયે મહાદેવને મધ્યાહ્નન આરતી અને મહાપૂજા કરવામાં આવી હતી. શ્રાવણ માસના બીજા સોમવારે વહેલી સવારથી સોમનાથ મંદિર પહોંચવાના તમામ માર્ગે ઉપર શિવ ભક્તોનો મોટો સમુહ પ્રયાણ કરતો નજરે પડતો હતો. જેમાં કોઈ પગપાળા તો કોઈ ખાનગી વાહનોમાં સોમનાથ તરફ જતા જોવા મળતા હતા. જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાની સૂચનાથી ડીવાયએસપી એમ.એમ.પરમાર દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. મંદિરમાં ફરજ પરના સુરક્ષાકર્મીઓ બે સ્તરીય ચેકીંગ કર્યા બાદ જ ભાવિકોને પ્રવેશ આપતા હતા. મહાદેવજીની સાંજની આરતીમાં પણ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.