ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજ્યમાં આઈએએસ, આઈપીએસ, સહિત વર્ગ 1 અને 2ના અધિકારીઓની સાગમટે બદવીઓ કરવામાં આવશે. મંગળવારે સરકારે 23 ડીવાયએસપીની બદલીઓ કરી છે. ઉપરાંત એક એસપી કક્ષાના અધિકારીની પણ બદલી કરવામાં આવી છે. ત્રણ પીઆઈને પ્રમોશન આપવામાં આવ્યુ છે. આમ રાજ્યમાં સરકાર અધિકારીઓની બદલીઓનો ગંજીપો ચીપી રહી છે.14 જેટલા આઇએએસ નોમિનેટને પણ પોસ્ટિંગ અપાશે. મુખ્યમંત્રીની તાજેતરમાં દિલ્હીની મુલાકાત બાદ બદલીની ફાઈલ ક્લીયર કરવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ચૂંટણી પચં દ્વારા ત્રણ વર્ષથી વધુ સમય એક જગ્યા પર ફરજ બજાવતા કર્મચારી, અધિકારીઓની બદલી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. પરિણામે ગમે તે ઘડીએ રાજ્યના વહીવટી તંત્રમાં મોટા પાયે બદલાવ આવશે. વિધાનસભાની ચૂંટણી આચાર સંહિતાને આડે હવે માત્ર અઢીથી સાડા ત્રણ મહિના બાકી છે, ત્યારે ત્રણ વર્ષથી વધુ સમયથી એક જગા પર ફરજ બજાવતા આઈએએસ અધિકારીઓ અને કલેકટરોને ચૂંટણી પંચના નિયમ મુજબ બદલવા જરૂરી છે. સાથોસાથ 14 અધિકારીઓ આઇએએસ તરીકે નોમિનેટ થઈને કલેકટર કે ડીડીઓનાં પદે નિયુકિતની રાહ જોઈ રહ્યાં છે. આ 14 અધિકારીઓના ઓર્ડર કરવા સત્વરે જરૂરી છે ત્યારે સચિવાલયના કેટલાક અધિકારીઓ હવે ફિલ્ડમાં આવશે. હોમ ડિપાર્ટમેન્ટનો ચાર્જ ધરાવતા રાજકુમાર પાસે રાજીવ ગુપ્તાની નિવૃત્તિને કારણે ઇન્ડસ્ટ્રીઝ અને માઈન્સ વિભાગનો એડિશનલ ચાર્જ છે. ગુજરાત સરકાર 2023 જાન્યુઆરીમાં વાયબ્રન્ટ યોજવાનું વિચારી રહી છે ત્યારે મોટેભાગના અધિકારીઓને વધારાના ચાર્જમાંથી મુકિત અપાવવાનું અને ઇન્ડસ્ટ્રીઝ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી કક્ષાના અધિકારીને ગોઠવવાનું ઠરાવાયું છે. તો બીજી તરફ પ્રોબેશનર અધિકારીઓને પ્રાંત અધિકારી તરીકે ચૂંટણીની જવાબદારી માટે સોંપવામાં આવશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં 14 કલેકટર ત્રણ વર્ષની ટર્મ પૂરી થતાં બદલી પાત્ર છે અને સાથોસાથ ભાજપના કેટલાક નેતાઓની અને મંત્રીઓની ભલામણોને કારણે કેટલાક કલેકટરની બદલી થવાની છે. ત્રણ શહેરના પોલીસ કમિશનર ઉપરાંત એડિશનલ ડીજીપી, નવ જેટલા ડીઆઈજી અને રેન્જ આઈજીપીની બદલી–બઢતી પણ પેન્ડિંગ છે. સૂત્રોનું માનીએ તો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તાજેતરમાં દિલ્હી મુલાકાત દરમિયાન આ બદલીઓ અંગે દિલ્હી દરબારમાંથી માર્ગદર્શન પ્રાપ્ત થઈ ચૂકયું છે અને બદલીઓનો મોટો દોર આવશે એ નિશ્ચિત છે. જેને લઈને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે મંગળવારે મોડી સાંજ સુધી બેઠકોનો દોર ચાલ્યો હતો.
રાજ્યના મુખ્ય સચિવને ચૂંટણી કમિશનર દ્વારા તાકીદ કરવામાં આવી છે. કે, ત્રણ વર્ષથી વધુ સમય એક જ જગ્યાએ ફરજ બજાવતા અધિકારીઓને બદલવામાં આવે તે જરી છે.ગુજરાત વિધાનસભાની ચાલુ વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીઓને લઇને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઇપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે આગોતરી વ્યવસ્થાના ભાગપે કેન્દ્રિય ચૂંટણી પચં દ્વારા ચૂંટણી પ્રક્રિયા સાથે સીધી કે આડકતરીરીતે સંકળાયેલા હોય તેવા ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી એક જ સ્થળે ફરજ બજાવનારા અધિકારી– કર્મચારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. આ સાથે વતનના જિલ્લામાં ફરજ બજાવતા હોય તેવા અધિકારી– કર્મચારીઓને પણ બદલવામાં આવશે. બદલી દરમિયાન પણ કોઇ કર્મચારીને તેના વતનના જિલ્લામાં નિમણૂંક ન અપાય તેની તકેદારી રાખવા જણાવાયું છે.