વડોદરાઃ 15મી ઓગષ્ટે 15 મીટર ઊંચા સ્તંભ પર રાષ્ટ્ર ધ્વજ લહેરાવાશે
અમદાવાદઃ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના વડોદરા વર્તુળ દ્વારા આગામી તા.15 મી ઓગષ્ટના રોજ સ્વતંત્રતા પર્વ પ્રસંગે 50 ફૂટ એટલે કે 15 મીટર ઊંચા ધ્વજ સ્તંભ પર રાષ્ટ્ર ધ્વજ ફરકાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેની સાથે આ સ્થળે ‘આઝાદી કા અમૃત પર્વ’ અને ‘હર ઘર તિરંગા અભિયાન’ હેઠળ સ્વતંત્રતા પર્વની ઉજવણી સવારના સમયે કરવામાં આવશે. આ કાર્યક્રમ અંદાજે 600 વર્ષ જૂના ઐતિહાસિક હજીરા ખાતે રાખવામાં આવ્યો છે જે એ.એસ.આઇ.ના સંરક્ષણ હેઠળનું વારસા સ્થળ છે.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના વડોદરા વર્તુળ દ્વારા અધિક્ષક પુરાતત્વવિદ એ.એમ.વી.સુબ્રમણ્યમના માર્ગદર્શન અને ઉચ્ચ સ્તરેથી ઠરાવેલી માર્ગદર્શિકાને અનુસરીને વિવિધ સંરક્ષિત સ્મારકો ખાતે ‘આઝાદી કા અમૃત પર્વ’ હેઠળ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે જેનો આશય લોકો આ સ્મારકો ના માધ્યમ થી ઇતિહાસને જાણે અને તેમના સંરક્ષણમાં સહભાગી બને એવો છે.
80 જેટલા સ્મારકો ખાતે સ્વચ્છતા અભિયાન યોજવામાં આવી રહ્યું છે જેમાં વડોદરા પેટા વર્તુળના ગોરજ સ્થિત પ્રાચીન શિવ મંદિર અને ડભોઇની હીરાભાગોળ તથા બોરસદની વણઝારી વાવનો સમાવેશ થાય છે. હજીરા ખાતે સ્વતંત્રતા પર્વ સુરતના સમાજ સેવક પદ્મશ્રી કનુભાઈ ટેલર ધ્વજ વંદન કરાવશે. આ સ્થળને પર્વ પ્રાસંગીક લાઈટિંગ એટલે કે પ્રકાશ વ્યવસ્થાથી સુશોભિત કરવાનું પણ આયોજન છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવશે. વિવિધ સરકારી ઈમારતો અને શૈક્ષણિક સંસ્થાઓની ઈમારત ઉપર રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવશે.
(PHOTO-FILE)