અફઘાનિસ્તાનમાં આત્મઘાતી વિસ્ફોટમાં ટોચના તાલિબાની નેતા હક્કાનીનું મોત
નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક મદરેસામાં થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ટોચના તાલિબાન નેતા મૌલવી રહીમુલ્લાહ હક્કાનીનું મોત થયું હતું. તાલિબાનના જણાવ્યા અનુસાર, હુમલાખોરે તેના કુત્રિમ પગમાં છુપાયેલ આઈઈડી વિસ્ફોટ કર્યો હતો. આ વિસ્ફોટની જવાબદારી ISએ લીધી હોવાનું જાણવા મળે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર રહીમુલ્લાહ હક્કાનીને તાલિબાનના ગૃહ મંત્રી અને હક્કાની નેટવર્કના નેતા સિરાજુદ્દીન હક્કાનીના વૈચારિક માર્ગદર્શક માનવામાં આવતા હતા. રહીમુલ્લાહ સોશિયલ મીડિયા પર તાલિબાનોનો ચહેરો હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના લાખો ફોલોઅર્સ છે.
હક્કાની પર ભૂતકાળમાં બે હુમલા થયા હતા. તે તાલિબાન મિલિટરી કમિશનના સભ્ય રહી ચૂક્યા છે. આ દરમિયાન અમેરિકન સૈન્યએ તેમની ધરપકડ કરી હતી અને કેટલાક મહિનાઓ સુધી બગ્રામ જેલમાં રાખવામાં આવ્યા હતા. તાલિબાન લડવૈયાઓ પેશાવરમાં રહીમુલ્લાહની મદરેસામાં અભ્યાસ કરે છે.
રહીમુલ્લાહના મોતને હક્કાની નેટવર્ક માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. તેણે નેટવર્કના વૈચારિક ચહેરા તરીકે આરબ દેશોમાં તેનું પ્રતિનિધિત્વ કરતા હતા. એટલું જ નહીં પાકિસ્તાન અને અન્ય જગ્યાએથી મળતા ફંડિંગના મુખ્ય કર્તાહર્તા હતો.